________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ ૫૨માત્મા અમૃતને–આનંદને લૂંટવાવાળાં છે, મદદ કરનાર નથી. માટે તે બધાં ભાવો પાપ છે, સંસારનું ફળ આપનારા છે. સર્વજ્ઞદેવ દિવ્યધ્વનિમાં ફરમાવે છે કે આનંદ તારા આત્મામાં છે. પરભાવમાં તો એકલું દુઃખ છે.
શ્રી કુંદકુંદ આચાર્ય સમયસાર ગાથા ૨૯૫ માં કહે છે કે પ્રથમમાં પ્રથમ આત્મા અને બંધનું લક્ષણ ઓળખીને તે બન્નેનું ભેદજ્ઞાન કરવાનું છે. આત્માર્થીનું પહેલાંમાં પહેલું કર્તવ્ય એ છે કે જ્ઞાનસ્વરૂપી આત્માને ઓળખીને તેની શ્રદ્ધા કરવી અને બંધ તત્ત્વને ઓળખીને તેનો સર્વથા છેદ કરવો. ભવભ્રમણથી છૂટવું હોય તેણે પુણ્ય-પાપ ભાવનો સર્વથા છેદ કરીને અમૃતસ્વરૂપ આત્માને ધ્યાવવો.
હૈ ભાઈ! તું સર્વજ્ઞદેવની વાણી સાંભળીને, વિચારીને, નિર્ણય તો પહેલાં સાચો કર ! નિર્ણયમાં જ ઠેકાણું નહિ હોય તો માર્ગ હાથ ક્યાંથી આવશે ? પુણ્ય-પાપભાવરૂપ બંધતત્ત્વ અને અબંધસ્વરૂપી નિજ આત્મા એ બન્નેનું ભેદવિજ્ઞાન કરવાનું છે. પુણ્યપાપભાવ તે મારું સ્વરૂપ જ નથી એમ પહેલાં નક્કી કરીને અબંધસ્વરૂપ નિજ પરમ પાવન ૫રમાત્માની શ્રદ્ધા-જ્ઞાન અને અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
સાધારણ રીતે સર્વ જીવો પાપભાવને હૈય અને પુણ્યભાવને ઉપાદેય માને છે. પુણ્યનાં ફળમાં સુખ મળવાની આશા રાખે છે. કેમ કે પુણ્યથી જ ઇન્દ્ર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ મહાવૈભવયુક્ત પદવી પ્રાપ્ત થાય છે. પણ એ પદવીઓ પણ માત્ર દુ:ખસ્વરૂપ છે. પુણ્ય-પાપ બન્ને એક જ જાતનાં છે, બન્નેનું ફળ સંસાર અને દુઃખ જ છે. એવું જાણનારાં તો કોઈ વિરલ, બુદ્ધિમાન, જ્ઞાની જ હોય છે. જેનાથી સંસારમાં રહેવું પડે, વિષયભોગમાં ફસાવું પડે, એવું સ્વાધીનતાઘાતક પુણ્ય પણ પાપ જ છે-એમ જ્ઞાની માને છે.
આત્મા મોટો તાકાતવાન છે. ઊંધો પુરુષાર્થી હોય તો સમવસરણમાં તીર્થંકરના સમજાવવાથી પણ ન સમજે અને સવળો પુરુષાર્થી સમકિતી ઉપ૨થી અગ્નિની વર્ષા વર્ષે, પરિષહોના પાર ન રહે તોપણ પોતાની શ્રદ્ધાથી ડગ્યો ન ડગે. ઉપરથી દેવ આવીને પરીક્ષા કરે કે પુણ્યથી લાભ માન તો તને પરિષહોથી બચાવું, નહિ તો મારી નાખીશ, તોપણ ડગે નહિ. તે જાણે છે કે કોણ કોને મારી શકે છે? અમે તો પુણ્ય-પાપ રહિત અમારા આત્માથી લાભ માનીએ છીએ. પુણ્યથી લાભ ત્રણકાળમાં કદી ન થાય. જ્ઞાનીને આત્માના આનંદ પાસે બીજા બધાં ભાવો તુચ્છ લાગે છે. પુણ્ય-પાપભાવ બન્ને દોષ છે.
બંધન અપેક્ષાએ બન્ને સમાન છે. બન્નેના બંધન-કારણ કષાયની મલિનતા છે. બન્નેનો અનુભવ સ્વાભાવિક અનુભવથી વિરુદ્ધ છે. અતીન્દ્રિય શુદ્ધ ભાવથી બન્ને વિપરીત છે. માટે જ્ઞાની પુણ્ય-પાપ બન્નેને લાભદાયક માનતા નથી.
પુણ્ય-પાપભાવમાં તન્મય થવાથી બંધન થાય છે તેથી મોક્ષમાર્ગના તે વિરોધી છે. આત્માના ધર્મના તે લૂંટારાં છે વીતરાગમાર્ગની આવી વાત પામર ઝીલી શકતાં નથી જ્ઞાની પુણ્ય-પાપ અને ભાવને દુઃખના કારણ જાણી તેનાથી વિરક્ત રહે છે અને કર્મક્ષયકારક, આત્માનંદદાયક એક શુદ્ધ ઉપયોગને જ માન્ય કરે છે. તેને જ મોક્ષનું કારણ જાણે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com