________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦] છે. જેને નિમિત્ત, વ્યવહાર અને રાગાદિની વાત એ છે તેને આ વાત સાંભળવી પણ રુચતી નથી.
ભગવાન આત્મા તરફનું અંતરમાં વલણ કરી સ્વરૂપને ધ્યેય બનાવી તેનું ધ્યાન કરનારા જીવો વિરલ છે. પુણ્ય કરવા કે તેના ફળ મળવા-ઇન્દ્ર, ચક્રવર્તી આદિની પદવી મળવી દુર્લભ ન કહી પણ આત્માનું ધ્યાન કરવું દુર્લભ છે, તેથી ધ્યાન કરનારાં જીવો જગતમાં દુર્લભ છે. રાગ રહિત વીતરાગ આત્માની વીતરાગી પરિણતિ પ્રગટ કરવી અને તેની ધારણા કરવી, એ મહા દુર્લભ છે. એ ધારણાને સ્મૃતિમાં લઈને વારંવાર અનુભવ કરનારા જીવો બહુ વિરલ છે. દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે.
શાસ્ત્રની ધારણા, બોલચાલની ધારણા કરનારાં તો જગતમાં ઘણાં છે. પણ સમ્યગ્દર્શન-જ્ઞાનમાં-અનુભવમાં જે આત્મા આવ્યો તેની ધારણા કરનારા જીવો બહુ વિરલ છે પહેલાં તો આત્મજ્ઞાન પ્રગટ કરવું તે જ બહુ દુર્લભ છે. તેથી થોડાં જ જીવો આ અનુપમ તત્ત્વનો લાભ લઈ શકે છે. કેમ કે મનરહિત પંચેન્દ્રિય સુધીના જીવોને તો વિચાર કરવાની જ શક્તિ નથી અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં નારકી તો રાત-દિવસ કષાયના કાર્યોમાં લાગેલાં છે. પશુઓમાં પણ આત્મજ્ઞાનનું સાધન પામવું ઘણું દુર્લભ છે. દેવોમાં વિષયોની અતિ તીવ્રતા છે અને વૈરાગ્યભાવની દુર્લભતા છે.
મનુષ્યગતિમાં જ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન સુગમ છે તો પણ તેની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. કેમ કે મનુષ્યોમાં કેટલાક તો રાત-દિવસ શરીરની સગવડતા સંભાળવામાં જ રોકાય છે. કેટલાક વ્યવહારની રુચિવાળા માત્ર વ્યવહારના ગ્રંથો જ વાંચે અને સાંભળે છે. અધ્યાત્મગ્રંથો વાંચવા-સાંભળવાનો તેને ટાઈમ જ નથી એટલે દરકાર જ નથી. ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, વૈદક આદિના પંડિતો ઘણા બની જાય છે. અધ્યાત્મશાસ્ત્રોને સૂક્ષ્મદષ્ટિથી કોઈ વાંચતું-વિચારતું નથી. વ્યવહાર કરતાં કરતાં ધર્મ થઈ જશે એમ માને છે પણ અસંગ, નિર્વિકલ્પ, વીતરાગ તત્ત્વને સમજીને મનન કરનારાં બહુ થોડાં જીવો છે.
ભગવાન આત્માની ગાંઠમાં એકલી વીતરાગતા ભરી છે, એકલા ચૈતન્યરત્નો ભર્યા છે. તેમાં રાગ-દ્વેષ કે વિકારનું કોઈ સ્થાન નથી. નિશ્ચયનયથી એક પોતાનો આત્મા જ આરાધ્યદેવ છે તે વાતનો વ્યવહારીજન વિશ્વાસ કરી શકતા નથી. ખરેખર આરાધવા યોગ્ય-સેવવા યોગ્ય તો પોતાનો આત્મા છે. પરમેશ્વર વીતરાગદેવ તે વ્યવહાર આરાધ્યદેવ છે. આવી વાત જે અધ્યાત્મશાસ્ત્રમાં ભરી છે તેને કોઈ સૂક્ષ્મ દૃષ્ટિથી વાંચતાં નથી તેમ વિચારતાં પણ નથી.
આચાર્ય કુંદકુંદદેવ પણ સમયસારમાં કહે છે કે આ રાગની કથા કરી અને વેદી એવી વાત તો જીવે અનાદિથી સાંભળી છે પણ રાગથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન આત્માની વાત જીવે કદી સાંભળી નથી. નિમિત્ત અને રાગથી ભિન્ન ભગવાન આત્માની વાત સાંભળવા મળવી એ પણ ઘણું દુર્લભ છે. નિમિત્ત અને રાગાદિ વ્યવહાર દ્વારા આત્માને જાણી શકાય એવું માનનારને નિમિત્ત આદિથી આત્માને ન જાણી શકાય એવી આ વાત સાંભળવી અને સ્વીકારવી આકરી પડી જાય. સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત આત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com