________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમાં પ્રથમ મંગલરૂપે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે.
णिम्मल-झाण-परिट्ठया कम्म-कलंक डहेवि। अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि।।१।। નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદું તે જિનરાય. ૧. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમૂર્તિ સિદ્ધ સમાન છે. સિદ્ધ પરમાત્મા સમાન આત્મા છે. તેનું અંતર સ્વરૂપમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં અંતર વેપાર દ્વારા સાર એટલે સિદ્ધદશા પ્રગટ કરવી એનું નામ યોગસાર કહેવામાં આવે છે. યોગીન્દ્રદેવે ૧૪૦૦ વર્ષ પહેલાં પરમાત્મપ્રકાશ અને યોગસાર કર્યા છે. યોગીન્દ્રદેવ મહા સંત થયા, તેઓ યોગસારની શરૂઆત કરતાં મંગલરૂપે સિદ્ધ પરમાત્માને યાદ કરે છે, સ્મરણ કરે છે.
નિર્મળ ધ્યાન એટલે કે શુદ્ધ ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈ શુદ્ધ ધ્યાન વડે સિદ્ધ થયા છે. મોક્ષમાર્ગની શરૂઆત શુદ્ધસ્વરૂપના નિર્મળ ધ્યાનથી થાય છે. આ આત્માને સર્વજ્ઞદેવે સિદ્ધ સ્વરૂપે જોયો છે.
“પ્રભુ તુમ જાણગ રીતી સૌ જગ દેખતા હો લાલ,
નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતા હો લાલ.” હે સર્વજ્ઞદેવ! સૌ જીવોને આપ તો નિજ સત્તાએ-પોતાના હોવાપણે શુદ્ધ દેખો છો. બધા આત્માઓ પોતાની સત્તાએ શુદ્ધ છે એમ ભગવાન દેખે છે અને જે કોઈ આત્મા એ રીતે શુદ્ધસ્વરૂપના નિર્મળ ધ્યાન વડે એકાગ્ર થાય છે તે સિદ્ધ થાય છે. જ્ઞાનાવરણીનો ક્ષય થાય ત્યારે જ્ઞાન થાય તેમ નથી કહ્યું હતું ! પણ નિર્મળ ધ્યાન વડે સમસ્ત પ્રકારે સ્વરૂપમાં સ્થિર થયા ત્યારે સિદ્ધ થાય છે.
ધર્મદશા પ્રગટ કાળમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિની એકાગ્રતાને અંશ પ્રગટ થાય ત્યારે તેને સમ્યગ્દર્શન-ધર્મની પ્રથમ શરૂઆત થાય છે. સિદ્ધ ભગવાને શરૂઆત પછી પૂરણતાની પ્રાપ્તિના કાળ વખતે શું કર્યું એ વાત અહીં ચાલે છે. જેમાં અતીન્દ્રિય આનંદ ભર્યો પડયો છે એવી નિજ સત્તાના હોવાપણામાં તારું સુખ છે, બીજાના હોવાપણામાં પણ તારું સુખ નથી, પરમાત્મા સિદ્ધના હોવાપણામાં પણ તારું સુખ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે ત્રિકાળી નિજ આત્મામાં એકલો આનંદ જ ભાળ્યો છે, એ અતીન્દ્રિય આનંદની નજર કરીને વિશેષપણે ધ્યાનમાં સ્થિત થયા, બહારથી તદ્દન ઉપેક્ષા કરીને અંદરમાં ઠર્યા, શુદ્ધ ધ્યાનમાં સ્થિત થયા-આ રીતે સિદ્ધ પરમાત્મા થયા; વર્તમાનમાં થાય છે ને ભવિષ્યમાં પણ આ રીતે સિદ્ધ પરમાત્મા થશે. મોક્ષને પ્રાપ્ત કરવાની, મોક્ષના માર્ગની આ ક્રિયા છે. વચમાં કોઈ દયા-દાનનો વિકલ્પ આવે એ કોઈ મોક્ષના માર્ગની ક્રિયા નથી. આ યોગસાર છે ને! યોગ એટલે આત્મામાં ઉપયોગનું જોડાણ કરવું એ જ મોક્ષનો માર્ગ છે. પરમાં જોડાણ થાય-રાગાદિ હો પણ એ કાંઈ મોક્ષનો માર્ગ નથી, એ તો બંધના માર્ગના બધા વિકલ્પો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com