________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી સદ્દગુરુદેવાય નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૧૯-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૭
આ પર્યુષણ પર્વાધિરાજના ઉત્તમ માંગલિક દિવસો ચાલે છે...એમાં અનંતકાળથી જે આત્મા, પોતાનો શુદ્ધાત્મા છે એને ભૂલીને પરભાવને, પરદ્રવ્યને પોતાના માને છે, તે માન્યતા મિથ્યાદષ્ટિ-અજ્ઞાનીની છે. પરભાવ અને પરદ્રવ્ય તે આત્માની ચીજ નથી, એમ એનું ભેદજ્ઞાન કરીને, શુદ્ધાત્માનું લક્ષ કરીને એનો અનુભવ કરવો, તેને આરાધના કહેવામાં આવે છેઉપાસના કહેવામાં આવે છે-એને આત્માની સેવા કરી કહેવામાં આવે છે, એવા દિવસો છે.
અહા ! આખા જગતથી જુદો આત્મા છે. પરિણામમાત્રથી પણ આત્મા ભિન્ન છે. એમાં ઇન્દ્રિયજ્ઞાન અને પરિણામ છે, તેનાથી આત્મા ભિન્ન છે. એવા પરિણામમાત્રથી ભિન્ન આત્માનું અંતર લક્ષ કરીને, એને પ્રત્યક્ષ અનુભવમાં લેવો, એનું નામ પર્યુષણપર્વ કહેવામાં આવે છે. એનું નામ આરાધના કરી, કહેવામાં આવે છે અથવા એનું નામ જ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ, મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
પર્યુષણપર્વનો આજે સાતમો દિવસ છે. ‘ઉત્તમ તપ ધર્મ' નો, આજે ઉત્તમતપધર્મનો દિવસ છે. ભાદરવા શુદ પાંચમને દિવસે ‘ઉત્તમ ક્ષમા ધર્મ' કહેવાય છે. અને અગિયારસને દિવસે ઉત્તમતપધર્મ કહેવાય છે. પણ તેથી એમ ન સમજવું કે પાંચમને દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મો હોય જ નહીં અને અગિયારસને દિવસે તપધર્મ જ હોય ?
ખરેખર તો, આત્માના વીતરાગભાવમાં ઉત્તમક્ષમા આદિ દશે (ય) ધર્મો એક સાથે સમાયેલા છે, એક દિવસે એક ધર્મ ને બીજા દિવસે બીજો ધર્મ એમ નથી. પરંતુ એક સાથે દશેય ધર્મોનું વ્યાખ્યાન થઈ શકે નહીં તેથી ક્રમસ૨ એક, એક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. પાંચમ, છઠ્ઠ, સાતમ વગેરે દિવસો તે તો કાળની અવસ્થા છે, એ તો જડ છે તેમાં કાંઈ ઉત્તમ ક્ષમા આદિ ધર્મો રહેલા નથી. સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક આત્માના વીતરાગભાવમાં ઉત્તમ ક્ષમા આદિ ધર્મો રહેલા છે. જેને આત્માની સાચી ઓળખાણ ન હોય, તેને ઉત્તમ ક્ષમા આદિ એક્કેય ધર્મો હોતા નથી. ઉત્તમ ક્ષમા આદિ ધર્મો તે, સમ્યક્ચારિત્રના ભેદો છે. મુખ્યપણે મુનિદશામાં આ ધર્મો હોય છે અને ગૌણપણે શ્રાવકને અને અવિરતસમ્યગ્દષ્ટિને પણ આવા ચારિત્રની સ્થિરતાના પરિણામમાં અંશે વીતરાગતા પ્રગટ થઈ, એમાં ઉત્તમ ક્ષમા આદિ દશેય ધર્મો એમાં અંશે સમાઈ જાય છે. વીતરાગ ભાવમાં એ દશેય ધર્મો સમાઈ જાય છે. એ આત્માના ધર્મો છે, એ પ૨નાં ધર્મો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com