________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૪ થાય ત્યારે આહાર લેવા આવે. રોજ આહાર લેવો એવો નિયમ ન હોય. આનંદનું ભોજન કરતાં-કરતાં કોઈ વખત ઇચ્છા થાય તો ગામમાં પધારે, અને આહાર લઈને પાછા ચાલ્યા જાય. એ તો ધ્યાનમાં મગ્ન છે, મસ્ત છે. “સાધુ હુઆ સો સિદ્ધ હો ગયા.” એમ આવે છે ને?
એ સાધુ એટલે શું? આહા! વળી કેટલાક કહે આ સોનગઢવાળા સાધુને માનતા નથી. અરે ભાઈ ! અમે તો “નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહૂણં' કહીએ છીએ. ભૂતકાળના સાધુ, વર્તમાનના સાધુ, અને ભવિષ્યકાળમાં સાધુ થશે, એને અમે અત્યારે નમસ્કાર કરીએ છીએ. ગુરુદેવ કહેતા હતા અરે! અમે તો સાધુના ચરણની રજ છીએ.
ક્યાં ભાવલિંગી સંત અને ક્યાં અમે એમને એમ પોતાની રીતે ચલાવે છે બધા. શું થાય! માત્ર નિશ્ચયનયે જ્ઞાન જ્ઞાયકને જાણતું નથી. નિશ્ચયનયે જ્ઞાન જ્ઞાયકને, પોતાના આત્માને ન જાણે? આત્માનું જ્ઞાન આત્માને જાણે છે, એમાંય અનુભવ થતો નથી. કેમકે એટલો ભેદ પડયો. નિશ્ચયનય જ્ઞાન જ્ઞાયકને જાણતું નથી. સ્વભાવથી જ જ્ઞાન જ્ઞાયકને જ જાણે છે. એમાં નયની જરૂર નથી. આમ સ્વભાવની સમીપે જતાં નયોના વિકલ્પો શાંત થાય છે. અને આત્માને આત્માનો અનુભવ થઈ જાય છે. આમ સ્વભાવની સન્મુખ થતાં નયોના વિકલ્પ અસ્ત થઈ જાય છે –શાંત થઈ જાય છે. ત્યારે કોઈ નયોના વિકલ્પ હોતા નથી. વિકલ્પ શાંત થઈ જાય છે. અને અભેદપણે આત્માનો અનુભવ થાય છે.
આ તો સ્વભાવનું જેને ભાન નહોતું; અને જે વ્યવહાર નયના પક્ષના પડ્યો હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે. જેથી વ્યવહારનો પક્ષ છૂટે અને નિશ્ચયના પક્ષમાં આવી જાય. તો એ નિશ્ચયનયને વળગી પડયો માટે એને હવે કહે છે. વ્યવહારનયને છોડીને નિશ્ચયનયના વિકલ્પમાં આવ્યો પણ અનુભવ નથી થયો એવા જીવને હવે કહે છે કેઃ જ્ઞાન નિશ્ચયનયે આત્માને જાણતું નથી. તો શું એ વ્યવહારનયે જાણે છે? અરે ભાઈ ! તું ક્યાં વયો ગયો!
આ વિષય એવો છે, અને શાસ્ત્રમાં આવે છે કે સ્વમત કે પરમત સાથે તું વાદવિવાદ કરીશમાં. આ વાદવિવાદનો વિષય નથી. ગુરુદેવની સામે ઘણાએ ચેલેન્જ કરી કેઃ ચર્ચા કરો અમારી સાથે, અમારે ચર્ચા કરવા આવવું છે. અમને ટાઈમ આપો વગેરે... પણ ગુરુદેવે કોઈ દિવસ કોઈને ટાઈમ આપ્યો નથી અને કહ્યું નથી કે અમારી સાથે ચર્ચા કરો. અમે તો કહીએ છીએ, જેને સાંભળવા આવવું હોય તે આવે. અમે કોઈની સાથે ચર્ચા કરતા નથી. આ ચર્ચાનો વિષય નથી. ભાઈ ! આ ચર્ચાથી પાર આવે એવું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com