________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * પંચમ આરાના મુનિ પંચમ આરાના અપ્રતિબદ્ધ શ્રોતાઓને સંબોધે છે કે નિત્યનિગોદના જીવને પણ અંતરમાં સ્વભાવપણે પરિણમવાની તાકાત છે, ભલે નિગોદમાં ન પરિણમી શકે પણ નિગોદને અનાદિ-સાંત કરીને, મનુષ્ય થઈને પંચમ પારિણામિકભાવનો અનુભવ કરીને સિદ્ધનો સાદિ-અનંત ભાવ પ્રગટ કરી શકે છે, તો હે જિજ્ઞાસુ! તું તો નિગોદમાંથી બહાર નીકળ્યો છે, મનુષ્યપણું પામીને પંચમ પરમભાવને બતાવનારી જિનવાણી સાંભળવા આવ્યો છે, સાંભળે છે તો તું પરમાત્મપણે પરિણમી શકે એવો જ છે. અમે તને કહીએ છીએ કે તું સ્વભાવપણે પરિણમવાને લાયક જ છો માટે સંદેહ ન કર, નિઃસંદેહ થા. અમે તને કહીએ છીએ કે તું સ્વભાવપણે પરિણમવાને લાયક છો, તો પછી તું નિઃસંદેહ કેમ થતો નથી? અમે તો ભગવાનને અનુસરીને તને આ કહીએ છીએ માટે તું નિઃસંદેહ થા, વિશ્વાસ લાવ, પંચમ આરો કે ઓછા પુણ્ય કે ઓછપને લક્ષમાં ન લે, તું પૂરણ પરમાત્મતત્ત્વ
છો ને તેપણે પરિણમવાને લાયક જ છો. અભવ્ય જેમ પરિણમવાને લાયક નથી તેમ નિત્યનિગોદના જીવ પરિણમવાને લાયક નથી એમ નથી. તો પછી તું જિજ્ઞાસાથી
આ સાંભળવા આવ્યો છો માટે તું પરિણમી શકે એવો છો-એમ નિઃસંદેહ થા, ભલે કોઈ રાગાદિ હોય પણ એ તને નડતર નથી, એ તો જ્ઞાનના શય તરીકે વિષય છે. માટે તું હીણપ ને ઓછપનો આશ્રય છોડ ને સ્વભાવપણે પરિણમવાને લાયક જ છો એમ નિઃસંદેહ થા ! ૨.
* ધર્મધુરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે! આત્મા! તું પરમાત્મા જેવો છો છતાં તું જિનમાં ને તારામાં ફેર પાડે છો? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે? તેથી કહે છે કે હું રાગવાળો અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો ! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે? એ વાત રહેવા દે ભાઈ ! હું પૂરણ પરમાત્મા થવાને લાયક છું એમ નહિ પણ પૂરણ પરમાત્મા અત્યારે હું છું એમ મનન કર ! આહાહા !! ૩.
* અહા! મહાવિદેહમાં પ્રભુ સમવસરણમાં બિરાજે છે. સો સો ઇન્દ્રો, ચક્રવર્તી આદિ તથા જંગલમાંથી સેંકડો વાઘ ને કેસરી સિંહનાં ટોળાં વાણી સાંભળવા આવે છે. અહા ! પરમાત્માની એ વાણી કેવી હશે! સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે આ જગતમાં જે પરમાત્મા કહેવાય છે તે કોણ ? કે એ તું પોતે. પર્યાયમાં જે પ્રગટ પરમાત્મા થયા; એ પદ આવ્યું કયાંથી? પોતે શક્તિ-અપેક્ષાએ પરમાત્મસ્વરૂપ છે એમાંથી પરમાત્મપર્યાય આવી છે. અહા ! જીવે પોતાને પામર તરીકે સ્વીકાર્યો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com