________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
परमात्मने नमः।
બહેનશ્રીનાં વચનામૃત [ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં પ્રવચનોમાંથી વીણેલાં ]
હે જીવ! તને કયાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું છે. આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ. ૧.
અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. આત્માની લગની લાગવી જોઈએ; તેની પાછળ લાગવું જોઈએ. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ.
Please inform us of any errors on rajesh@atmadharma.com