________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૮
બહેનશ્રીનાં વચનામૃત
જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય તેણે પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરી, પોતાના ધ્રુવ જ્ઞાયકસ્વભાવનો મહિમા લાવી, સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો. જો ધ્રુવ જ્ઞાયકભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રયે પ્રગટ કરે? જ્ઞાયકની ધ્રુવ ભૂમિમાં દષ્ટિ જામતાં, તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતાં કરતાં, નિર્મળતા પ્રગટ થતી જાય છે.
સાધક જીવની દષ્ટિ નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય ઉપર હોય છે, છતાં સાધક જાણે છે બધાંને-તે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોને જાણે છે અને તે જાણતાં તેમના સ્વભાવ-વિભાવપણાનો, તેમના સુખ-દુઃખરૂપ વેદનનો, તેમના સાધકબાધકપણાનો ઇત્યાદિનો વિવેક વર્તે છે. સાધક-દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય છે પણ “હું પરિપૂર્ણ છું' એવું બળ સતત સાથે ને સાથે રહે છે. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક ને અધિક રહે છે. –આવી સાધકપરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે, બીજાને સમજવું અઘરું પડે છે. ૩૯૩.
Please inform us of any errors on rajesh@atmadharma.com