________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૧૨૭
સહજતત્ત્વનો કદી નાશ થતો નથી, તે મલિન થતું નથી, તેમાં ઊણપ આવતી નથી. શરીરથી તે ભિન્ન છે, ઉપસર્ગ તેને અડતા નથી, તરવાર તેને છેદતી નથી, અગ્નિ તેને બાળતો નથી, રાગદ્વેષ તેને વિકારી કરતા નથી. વાહ તત્ત્વ! અનંત કાળ ગયો તોપણ તું તો એવું ને એવું જ છે. તને કોઈ ઓળખે કે ન ઓળખે, તું તો સદા એવું જ રહેવાનું છે. મુનિના તેમ જ સમ્યગ્દષ્ટિના હૃદયકમળના સિંહાસનમાં આ સહજતત્ત્વ નિરંતર બિરાજમાન છે. ૩૫૯.
સમ્યગ્દષ્ટિને પુરુષાર્થ વિનાનો કોઈ કાળ નથી. પુરુષાર્થ કરીને ભેદજ્ઞાન પ્રગટ કર્યું ત્યારથી પુરુષાર્થનો દોર ચાલુ જ છે. સમ્યગ્દષ્ટિનો આ પુરુષાર્થ સહજ છે, હઠપૂર્વકનો નથી. દષ્ટિ પ્રગટ થઈ પછી તે એક બાજુ પડી છે એમ નથી. જેમ અગ્નિ ઢાંકેલો પડ્યો હોય એમ નથી. અંદરમાં ભેદજ્ઞાનનું-જ્ઞાતાધારાનું પ્રગટ વેદન છે. સહજ જ્ઞાતાધારા ટકી રહી છે તે પુરુષાર્થથી ટકી રહી છે. પરમ તત્ત્વમાં અવિચળતા છે. પ્રતિકૂળતાના ગંજ આવે, આખું બ્રહ્માંડ ખળભળે, તોપણ ચૈતન્યપરિણતિ ડોલે નહિ એવી સહુજ દશા છે. ૩૬O.
Please inform us of any errors on rajesh@atmadharma.com