________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ, સોમ ૮-૧૨-પર
પ્ર.- ૨
સ્વના વિસ્મરણે સંસાર છે ને પરના વિસ્મરણે મુક્તિ છે. પોતાના નિરુપાધિ અવિકારી સ્વભાવના વિસ્મરણમાં સંસાર છે ને નિર્દોષ ચૈતન્યસ્વભાવના સ્મરણથી મુક્તિનો નાથ થાય છે. સ્વરૂપ ધ્રુવ જ્ઞાયક છે, તેના તરફ પરિણામ વાળવામાં જરા પણ કલેશ નથી. એ પરિણામ કોણ કરે? તેનું સમાધાન કરે છે :
આત્માના સ્વભાવના આનંદના પ્રકાશની વાત ટૂંકા સૂત્રોથી કરે છે. અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં ( મિથ્યાત્વમાં) પડયો છે. જેવો સ્વભાવ છે તેની સંભાળ નહિ લેતાં રાગની સંભાળ લીધી છે માટે અવિધા કહી છે. જ્ઞાનાનંદ સ્વભાવ જે હયાતવાળી ચીજ છે તેને ચૂકી ક્ષણિક વિકારને પોતાના માની બેઠો છે. જેમ સૂતરમાં ગાંઠ પડે તેમ ચિદાનંદ આનંદકંદને ચૂકીને પુણ્ય-પાપના પરિણામ સાથે એકત્વની ગાંઠ પડી છે. પોતાનું એકત્વ ચૂકી વિકાર, વ્યવહાર ને વિકલ્પોને પોતાના માની એકપણાની સંધિની પ્રતીતિ કરી રહ્યો છે. જેમ અફીણના અમલમાં ચડેલો પુરુષ દુઃખ પામે છે પણ છૂટી શકતો નથી, કારણ કે કેફ ઘણો ચડયો છે તેને અફીણ વિના ચાલતું નથી. ખરેખર તો તેના છૂટવાથી ઠીક છે, અફીણથી છૂટવામાં કાંઈ દુઃખ નથી. અફીણના બંધાણીને બંધાણને લીધે અફીણ વિના ચાલતું નથી એમ માને છે તેથી તલપ લાગતાં તે અફીણ લઈ જ લે છે, તેમ આ જીવ મોહથી બંધાય છે. આત્મા જ્ઞાનસ્વભાવી હોવા છતાં પરમાં બંધાઈ રહ્યો છે. મોહથી છૂટવામાં સુખ છે છતાં છૂટતો નથી, અંતસ્વભાવ તરફની રુચિ કરતો નથી; કોઈ કર્મને લીધે રુચિ કરતો નથી-એમ કહ્યું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com