________________
144
રહેલી છે તેને "નિયતિ" કહે છે. ચૈતન્ય-રૂપી આકાશને જયારે આકાશ થવાની ઈચ્છા થઇ ત્યારે તે આકાશ-રૂપે થયું. અને જયારે તેને જળ,અગ્નિ,આકાશ-વગેરે રૂપે થવાની ઈચ્છા થઇ ત્યારે તે -તે તે પ્રમાણે-તે રૂપે થયું. આ રીતે ચિત્ત ની સત્તાથી સર્વ "સ્થિતિ રહેલી છે.અને ચૈતન્ય ના આ ચમત્કાર રૂપી ચાતુર્ય (ચતુરતા) થી તે સર્વ અસત્ય હોવા છતાં સત્ય જેવા લાગે છે.
સરસ્વતી-લીલાને કહે છે કે-હવે હું તારા સર્વ "સંદેહ" ની શાંતિ માટે -મરણ થયા પછી -કર્મ-ફળ ના અનુભવ નો જે "ક્રમ" છે તે કહું છું, તે તું સાંભળ. પ્રથમ સૃષ્ટિ થઇ ત્યારથી કળિયુગમાં સો વર્ષનું, દ્વાપરમાં બસો વર્ષનું,ત્રતામાં ત્રણસો વર્ષનું અને સતયુગમાં ચારસો વર્ષનું આયુષ્ય નિર્માણ કરવામાં આવ્યું છે.(એવો નિયમ બનેલો છે). પણ તે ન્યૂન (ખોટો કે બદલાઈ જવાનું) થવાનું કારણ એ છે કેદેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-પોતાના કર્મની શુદ્ધિ-અશુદ્ધિ-એ મનુષ્યનું આયુષ્ય ઓછું-વતું કરવામાં કારણભૂત છે.
જયારે મનુષ્યો પોતાના ધર્મ-કર્મ ઓછાં કરે તો આયુષ્ય ઓછું,વધારે કરે તો આયુષ્ય વધુ અને જો સમાન ધર્મ-કર્મ કરે તો આયુષ્ય સમાન (સમ) રહે છે. જો કોઈ મનુષ્ય પોતાનું બાળપણમાં મૃત્યુ થાય તેવા કર્મો કરે તો તેનું બાળપણ માં મૃત્યુ થાય છે, અને જો યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા માં મૃત્યુ થાય તેવા કારમો કરે તો તે પ્રમાણે જ તેનું મૃત્યુ થાય છે. જે મનુષ્ય શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના ધર્મ-કર્મ નું આચરણ કરે તે-શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે નું આયુષ્ય મેળવી શકે છે.
આ પ્રમાણે જયારે કર્મ અનુસાર મનુષ્ય ને મૃત્યુ નો સમય આવે છે ત્યારે . મર્મ-સ્થળનું છેદન થાય તેવી વેદના થાય છે.
જ્ઞાની લીલા પૂછે છે કે-હે,દેવી, મરણ સમયે કોને સુખ થાય?કોને દુઃખ થાય? અને મરણ પછી શું થાય છે? દેવી કહે છે કે-મરણ સમયે ત્રણ જાતના પુરુષ ની જુદીજુદી રીતે સ્થિતિ હોય છે. પહેલો મૂર્ખ,બીજો ધારણાભ્યાસી (નાભિ-હૃદય-કંઠ અને બ્રહ્મરંધ્ર માં પ્રાણનો રોધ કરી યોગ ધારણા નો અભ્યાસ કરનાર યોગી) અને ત્રીજો યુક્તિમાન (સ્વેચ્છાથી દેહત્યાગ કરીને ઇચ્છિત પ્રદેશમાં જનાર યોગી)
આમાંથી ધારણાભ્યાસી દેહ નો ત્યાગ કરતી વખતે ધારણા નો અભ્યાસ કરી સુખ થી દેહત્યાગ કરે છે. યુક્તિમાન મનુષ્ય પણ (ધારણાનો અભ્યાસ કર્યા વિના) તેવી જ રીતે સુખ થી દેહનો ત્યાગ કરે છે. પણ જે ધારણાભ્યાસી નથી કે યુક્તિમાન પણ નથી તેવો મૂર્ખ પરવશ-પણા થી દુ:ખ પામે છે. વાસનાના આવેશ થી પરવશ થયેલો અને વિષયોમાં રમ્યા કરતા ચિત્તવાળો મૂર્ખ મનુષ્ય - કપાઈ ગયેલા કમળ ની જેમ દીનતા પામે છે.તેની બુદ્ધિ ના સંસ્કાર શાસ્ત્ર વિનાના (શાસ્ત્ર-વિરુદ્ધ) હોય છે, તેની બુદ્ધિ દુષ્ટતા ને આધીન થઇ હોય છે.
આવા મૂર્ખને મરણ સમયે અગ્નિમાં પડ્યો હોય તેવો દાહ થાય છે.તેનો કંઠ ખોખરો થઇ જાય છે, અને તેનાં નેત્રો અને શરીર નો વર્ણ બદલાઈ જાય છે. તેથી અવિવેકી આત્મા વાળો તે મૂર્ખ દીનતાને વશ થઇ જાય છે. તેનું નેત્ર-મંડળ (અખો) ભ્રષ્ટ થઇ જાય છે,મર્મ-સ્થાન ની વેદનાથી વ્યાપ્ત થઇ જાય છે. તેને પ્રથ્વી આકાશના જેવી અને આકાશ પૃથ્વીના જેવું જણાય છે. તે દિમૂઢ થઇ જાય છે અને પોતાને દરિયામાં તણાઈ જતો કે આકાશમાં ઊંચકાઈ ને પટકાઈ જતો હોય, તેવું તેને જણાય છે. પોતે કૂવામાં પડ્યો હોય કે શિલામાં પુરાઈ ગયો હોય એમ તેને લાગે છે. બોલવાની ઈચ્છા છતાં તેની વાણી જડ થવાથી બોલી શકતો નથી. અને હૃદય જાણે કપાઈ જતું હોય એમ તેને જણાય છે,