________________
વિશ્વામિત્ર નાં આવા વચનો થી દશરથ રાજાનું મન આનંદ થી ભરાઈ ગયું અને રામને બોલાવવા, ફરીવાર, દૂતો ઉપર દૂતો મોકલ્યા. એટલે છેવટે રામ,પોતાના આસન પરથી ઉઠીને,બે ભાઈઓની સાથે પિતાની સભામાં આવ્યા. સભામાં આવી, તેમણે પિતાજી,ગુરુજનો અને સર્વ ને વંદન કર્યા. દશરથરાજાએ રામનું માથું સુંવ્યું ને ચુંબન કરી કહ્યું કે-હે,પુત્ર,મારા ખોળામાં મારી પાસે બેસો. પણ તેટલી વારમાં તો, રામ,પૃથ્વી પર પાથરેલા વસ્ત્ર પર બેસી ગયા.
રાજા બોલ્યા-હે, પુત્ર,તું વિવેકી છે,તારે મૂરખની માફક,શિથિલ બુદ્ધિ થી તારા આત્માને ખેદ ને સ્વાધીન ના કરવો જોઈએ.વૃદ્ધો,વડીલો અને ગુરુઓ નું કહેલું કરવાથી પુણ્ય-પદ સાંપડે છે.મુંઝાયા કરવાથી નહિ. જ્યાં સુધી મોહ ને પ્રસરવાનો અવકાશ આપવામાં આવે નહિ, ત્યાં સુધી જ આપત્તિઓ દૂર રહે છે.
વશિષ્ઠ બોલ્યા-હે, રાજકુમાર,તમે શૂરા છો,અને જે,ભારે દુઃખદાયી છે, તથા ઘણી મુશ્કેલી થી જીતી શકાય છે, તેવા વિષયો રૂપી શત્રુઓને પણ તમે જીતી લીધા છે, તો પછી,અજ્ઞાનીઓ ને જ યોગ્ય,એવા,આ, અનેક તરંગોથી ભરેલા અને જડ એવા, મોહ-રૂપી સમુદ્રમાં તમે,કેમ, અવિવેકીઓ ની જેમ ડૂબકાં ખાઓ છો?
વિશ્વામિત્ર બોલ્યા-હે રામ,તમારા ‘ચિત્તની ચપળતા' છોડીને કહો કે તમે શા માટે મુંઝાઓ છો? ચિંતા,તમારા મન ને બગાડી નાખશે.તો, તમને તે ચિંતા કયા કારણથી થઇ છે? તમારો કયો મનોરથ સિદ્ધ થાય તો તે ચિંતા દૂર થાય તેમ છે? તે ચિંતાઓ કેટલી છે?કેવી છે? અને ક્યાં રહી છે?
જેને કષ્ટ હોય કે દરિદ્ર હોય તેણે ચિંતા થવા સંભવ છે,પણ ચિંતાઓ તમને પ્રાપ્ત થવી સંભવિત નથી. માટે, તમારા મન નો જે અભિપ્રાય હોય તે તમે ઝટ કહો, તો તમને જે જોઈતું હશે તે સઘળું તમને મળશે, અને જેથી,પછી તે ચિંતાઓ ફરી તમારા મનનું ભેદન કરશે નહિ,
બુદ્ધિમાન વિશ્વામિત્રે આ પ્રમાણે જયારે ‘યોગ્ય-વસ્તુ નો પ્રકાશ પાડનારાં', તાત્પર્ય-વાળા વચનો કહ્યાં, એટલે,રામે પોતાનું કાર્ય સિદ્ધ થશે એવું અનુમાન' કર્યું, અને પોતાનો ખેદ છોડી દીધો.
(૧૨) ભોગની દ:ખરૂપતા.વિષયોની અસત્યતા અને સંપત્તિની અનર્થરૂપતા
રામ બોલ્યા-હે,ભગવન,હું તો અજ્ઞાની છું, પણ આપે પૂછ્યું છે, એટલે મારો સઘળો અનુભવ આપને કહું છું. હું મારા પિતાના ઘરમાં જન્મ્યો,મોટો થયો,વિદ્યાભ્યાસ પછી,ઘરમાં રહ્યો તે પછી સદાચારમાં તત્પર થઇ, હું તીર્થયાત્રા કરવા સારું,સકળ પૃથ્વી પર ફર્યો. એટલા કાળ માં સંસાર પરથી આસ્થા ઉઠાડી દે તેવો ‘વિવેક' મારા મનમાં ઉત્પન્ન થયો, એટલે પછી,ભોગમાં રાગ વગરની થયેલી બુદ્ધિથી,હું પોતે વિચાર કરવા લાગ્યો કે
--અરેરે,આ સંસાર- સંબંધી જે સુખ છે –તે શું છે? તે તો ખરેખર કંઈ નથી!! --આ સંસારમાં લોકો મરવા માટે જ જન્મે છે અને ફરી જન્મવા માટે જ મરે છે, --આ સ્થાવર-જંગમ-રૂપ,જે ભોગો છે, તે બધા અસ્થિર છે, તે ભોગો, મોટી આપદા-રૂપ અને પાપ-રૂપ છે.
કેવળ મન ની કલ્પનાથી તેઓનો સંબંધ સુખ-દુઃખ સાથે કરવામાં આવે છે --આ સઘળું જગત પણ મન ને આધીન (મન જેવી કલ્પના કરે તેવું પ્રતીત થનારું) છે.
અને તે -મન ખોટું હોય તેમ જણાય છે,છતાં આપણે શા માટે મોહ પામીએ છીએ?