________________
આ મારા પ્રાણાધિક પ્રિયતમ પદ્મરાજ શી રીતે અજર-અમર થાય? કેવી રીતે હું મારા એ ભર્તા સાથે સો સો યુગના ચિરકાળ સુધી યચેચ્છ રમણ કરી શકું? મારે પ્રથમ તો જ્ઞાનવૃદ્ધ,તપોવૃદ્ધ એવા બ્રાહ્મણો ને પૂછવું જોઈએ કે - કેવા કોઈ જપ-તપ-યમ-નિયમથી મારા પતિ નું મરણ ના થાય.
આમ વિચારી ને તેણે બ્રાહ્મણો ને બોલાવ્યા અને અમર-પણા નો ઉપાય પૂછ્યો. બ્રાહ્મણો એ કહ્યું કે-તપ-જપ-નિયમ થી સિદ્ધિઓ મળે,પણ અમરપણું કદી મળી શકે નહિ.
બ્રાહ્મણો નું આવું વચન સાંભળી ને પતિ-વિયોગ થી બીતી,એ લીલાએ ફરીવાર પોતાની બુદ્ધિ થી જ વિચાર કર્યો કે-જો દૈવ-યોગે પતિના પહેલા જ મારું મરણ થશે,તો ચિત્તમાં સર્વ દુઃખો થી રહિત થઈને પરલોકમાં શાંતિ થી રહી શકીશ પણ જો મારા પતિ મારાથી આગળ જશે તો હું દુઃખી થઈશ. માટે મારે પતિનો જીવ ઘરમાંથી જતો રહે જ નહિ,એમ કરવું જોઈએ.
એમ કરવાથી મારા પતિ નો જીવ મારા આ અંતઃપુર ના "મંડપ" માં ફર્યા કરશે અને હું સર્વદા પતિની દૃષ્ટિ તળે સુખ થી રહીશ.
આમ વિચારી જપ-તપ નિયમો આચરીને એણે સરસ્વતીદેવી ની ઉપાસના અને પૂજન કરવા માંડ્યું. તે,દેવતાઓ,બ્રાહ્મણો,ગુરુઓ,પંડિતો-વગેરે ની પૂજા કરતી અને આમ ત્રણસો અહોરાત્ર સુધી અવિછિન્ન તપ કર્યું. ત્યારે બાહ્ય ઉપચારો અને માનસિક ઉપચારોથી પૂજા પામેલાં નિર્મળ સરસ્વતીદેવી એ પ્રસન્ન થઈ ને તેને કહ્યું કે
હે,પુત્રી,પતિભક્તિને લીધે અત્યંત શોભા પામેલા તારા આ અવિચ્છિન્ન તાપથી હું પ્રસન્ન થઇ છું, માટે તારે જે વરદાન જોઈતું હોય તે માગી લે.
ત્યારે લીલા એ કહ્યું કે-હે,શુભા,હું માંગું તે પ્રમાણે મને બે વરદાન આપો.
એક તો મારા પતિ મરી જાય ત્યારે પણ તેમનો જીવ મારા પોતાના અંતઃપુર ના "મંડપ" માંથી જતો રહે નહિ અને બીજું હું તમારી જયારે જયારે પ્રાર્થના કરું ત્યારે ત્યારે તમારે દર્શન આપવાં.
ત્યારે એ પ્રમાણે લીલાનાં વચનો સાંભળીને-જગદંબા સરસ્વતીદેવીએ "તને એ પ્રમાણે થશે" એમ વર આપ્યો અને અંતર્ધાન થઇ ગયાં.
દેવીનો વર મળવાથી લીલા અત્યંત આનંદ પામી.
પછી કાળચક્ર જે પક્ષ-માસ-તથા ઋતુઓ-દિવસો અને વર્ષો વાળું છે તે ચાલ્યા કર્યું. ત્યાં,કોઈક સંગ્રામ માં ઘવાયેલા તેના પતિ પદ્મરાજ ની ચેતના -સુકાયેલાં પાંદડાં ના રસની જેમ - જોતજોતામાં જ લિંગ-શરીર માં અસ્ત પામી ગઈ.
105
આમ,અંતઃપુર ના "મંડપ" માં એ રાજા મરણ પામ્યો,એટલે જળ વગરની કમલિની ની જેમ – લીલા પણ બહુ જ કરમાઈ ગઈ પતિના મરણ થઈ વિહ્વળ થયેલી લીલા ઉપર, ચૈતન્ય માં જ પ્રગટ થયેલાં દયાળુ સરસ્વતીદેવીએ દયા કરી અને લીલા ને આશ્વાસન આપીને આગળ પ્રમાણે કહ્યું.
(૧૭) નવીન અને પ્રાચીન સષ્ટિ એ મનોવિલાસ માત્ર છે.
સરસ્વતીદેવી કહે છે કે-હે પુત્રી,આ શબ-રૂપ થયેલા તારા પતિને તું પુષ્પો માં ઢાંકીને મૂક. પછી તું તારા પતિને પ્રાપ્ત થઈશ.પુષ્પો કરમાશે નહિ અને આમ શરીર પણ બગડશે નહિ. થોડા સમય પછી તારો પતિ જીવતો થશે.