________________
આવે તો તે હળવા પુસ્તકનો વિશેષ પ્રચાર થાય અને વિશિષ્ટ જિજ્ઞાસુઓની મુખપાઠ કરવાની વૃત્તિ પણ સંતોષાય. એ દૃષ્ટિબિંદુથી એક નાનકડું પુસ્તક બહાર પાડવાનો મેં નિશ્ચય કર્યો.
અમદાવાદનું ચાતુર્માસ ક૨ી થોડા વખત પછી અમારું મુંબઈ તરફ જવા માટે પ્રસ્થાન થયું.
માર્ગના વિહારમાં જેમ જેમ કુદરતના કલામંદિરનાં પ્રાકૃતિક દૃશ્યો દેખાયે જતાં હતાં તેમ તેમ તે બધાં બોધપ્રદ પદ્યોને પ્રોત્સાહન મળ્યે જતું હતું.
ખળખળ વહેતી સરિતાઓ નિર્મળતા અને પરોપકારના બોધપાઠો પ્રબોધી રહી હતી અને વેગભર જતાં જતાં એ સૂચિત કરતી હતી કે અમારું કાર્ય ત્વરિતગતિએ થઈ રહ્યું છે. સમુદ્રદેવની દિવ્યતામાં મળવા અમે અસ્ખલિત ગતિએ પ્રયાણ કરી રહ્યાં છીએ. કેવી એ અપ્રમાદતા ! ધ્યેયને પહોંચી વળવાનો એ કેટલો તનમનાટ ! માર્ગમાં અનેક પ્રલોભનો હોવા છતાં તેના તરફ મીટ માંડ્યા વિના પોતાની ગતિ કરવામાં તેને કેટલી તાલાવેલી, નિરાસક્તિ અને એકાગ્રતા ! વચ્ચે વચ્ચે પથરાળ ભૂમિ અને ભેખડો પસાર કરતાં વેઠવાં પડતાં સંકટોમાં તેની કેટલી સહિષ્ણુતા ! આ જ રીતે ભિન્ન ભિન્ન વનસ્પતિઓ પણ એક જ ભૂમિ વિભાગમાંથી ઉત્પન્ન થઈ વર્ણ, રસ, ગંધ અને ગુણોમાં ક્વચિત્ પાસેનાથી સાવ ભિન્ન અને ક્વચિત્ સમાનભાવે ખીલી કુદરતી સૌંદર્યમાં વૃદ્ધિ કરી વિશ્વના વૈચિત્ર્યમાં કેમ જીવવું તે બોધપાઠ શીખવી રહી હતી.
આવી રીતે ભિન્ન ભિન્ન રીતે સાધકને સદૂબોધતી આ વિશ્વશાળાની સાથે શ્રમણ ભગવાન મહાવીરનાં પદ્યો જાણે સ્પર્ધા