________________
ભૂમિદાન એ માત્ર જમીનનો ટુકડો આપવાની વાત મૂકી પણ સૌને રોટલા મળે એ માટે ક્યાંથી છેડો પકડવો. તો ભૂમિનો થોડો ટુકડો આમ આપી એ છેડો પકડે. એથી રોટીનો બધાનો પ્રશ્ન ઉકલી જશે. ટૂંકી જમીનમાં પણ લોકો કોદાળીની ખેતી કરે છે. સુંદર ખેતી કરે છે. આફ્રિકામાં તો પર્વત ઉપર અને ખીણોમાં પણ કોદાળીથી ખેતી કરે છે. વસ્તી કૂદકે ને ભૂસકે વધે છે. જમીન વધતી નથી. તો શું કરવું? એને માટે ભૂમિદાન છે. મુખ્ય સવાલ મમતાનો છે. મમતા મુક્ત થવા માટે આ પ્રયોગ છે. એક વિઘો આપનાર આ સ્થિતિ નહિ કરે. જમીન લેનાર, જમીન નવી નહિ ખરીદે. મહેનત કરનાર જ જમીન ખેડી શકશે. ‘ત્યાગ કરો, ત્યાગ કરો'. એ મંત્ર ઉચ્ચારો, હવે તો જીવનદાન સુધીની ક્રિયા પહોંચી છે.
બીજી વાત ગ્રામ સંગઠનની છે. જયાં સુધી તમો બધા એક નહિ થાઓ તો બધું નાણું શહેરોમાં તણાઈ જાય છે. ખાનાર અને ખેડનાર વચ્ચે એક મોટી ખાઈ પડી ગઈ છે. વચ્ચેના દલાલ મારફત શહેરમાં ધન-ઘસડાઈ જાય છે. આ સ્થિતિમાં ફરજિયાત બચત કરી સહકારી મંડળીઓ ઊભી કરી એ દ્વારા બજારપીઠ હાથમાં લેવી જોઈએ. જ્યાં સુધી પીઠ હાથમાં ના આવે ત્યાં સુધી ખેડૂતોનો ઉદ્ધાર થવાનો નથી. બીજી વાત લવાદીની છે. કોર્ટોમાં ન્યાય મળતો નથી અને ઝઘડા વધે છે. જો પંચો મારફત ન્યાય થાય તો ખર્ચા પણ બચી જાય અને ન્યાય સસ્તો મળે. તા. ૨૧-૫-૧૯૫૪ : ફિફાદ
ધોબાથી નીકળી ફિફાદ આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો સૈયદના ઘરમાં રાખ્યો હતો. આમ તો અમારે મેંકડા જવાનું હતું. પણ ગામલોકોનો ખૂબ આગ્રહ થયો. એટલે બપોરે ત્યાં રોકાયા. ગામ લોકોએ વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કર્યું. દરવાજેથી નિવાસ સુધી તોરણથી જગ્યા શણગારી હતી. જૈન બહેનોએ ચોખાના સાથિયા પૂરી સ્વાગત કર્યું હતું. ખેડૂતબહેનોએ અને હરિજન બહેનોએ પોતપોતાનાં ગીતો ગાતાં હતાં. વચ્ચે હરિજનોએ પણ સ્વાગત કર્યું હતું. અમારી સાથે પાટણથી કિલોલ બાલમંદિરવાળા પૂનમચંદભાઈ અને બે વિદ્યાર્થીઓ વગેરે ઘણા કાર્યકરો સાથે હતા. સભામાં મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને ભૂમિદાનનું રહસ્ય સમજાવ્યું હતું. સાધુતાની પગદંડી
૫૯