________________
ભૂદાનનું ચિંતન અટક્યું નહોતું. ૧૯પર, ૨૫મી જુલાઈના દિવસે તેમના ખાસ ચાતુર્માસ પ્રસંગે ગુજરાતનો ભૂદાન સંકલ્પ જાહેર થયો હતો. સંકલ્પ તૂટે એટલે એક નૈતિક શક્તિ તૂટે, પ્રજા ઉપરનો વિશ્વાસ તૂટે - તેથી સૌરાષ્ટ્ર અને કચ્છને ફાળે આવતો કોટા ૫૦ હજાર એકરનો કોઈપણ રીતે પૂરો થાય, તે માટે તેઓ ભારે મંથન અનુભવે છે. પરંતુ પોતાની માંદગી દરમિયાન વિહાર થઈ શકે નહીં. ડૉક્ટરોની પ્રવાસની મનાઈ એટલે તેઓએ ભૂદાનસમિતિને વધુ તીવ્રતાથી કાર્ય ઉપાડવા અપીલ કરી. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી ઉ. ન. ઢેબરને પણ વિનંતી કરી, ઢેબરે ત્યાં સુધી ખાતરી આપી કે પોતે કેબિનેટમાંથી થોડા દિવસની છુટ્ટી લઈને આ સંકલ્પ પૂરો કરવામાં મદદ કરશે.
બૃહદ્ ગુજરાતનો સંકલ્પ તૂટે નહીં તે માટે મુનિશ્રીએ વિકલ્પ રજૂ કર્યા : ઓછામાં ઓછી ૨૫ ટુકડીઓ શરૂ થવી જોઈએ, અને રોજનું એક હજાર એકર ભૂદાન મળવું જોઈએ. આ શરત પૂરી ન થાય તો પોતે તે દિવસે ઉપવાસ કરે.
આ કેવળ ઉપવાસની ધમકી નહોતી પરંતુ આત્માનો અવાજ હતો, સંકલ્પ સિદ્ધ થવો જોઈએ. એ માટે પોતે પણ ભરપૂર મથ્યા છે. કારણ કે તેઓ માનતા કે, ભૂમિ આંદોલન એ ગ્રામઆંદોલનનો એક ખૂણો છે, જેની પાસે રોટલો નથી તે અકળાય નહીં, તે સ્થિતિ પેદા કરવા માટે ભૂદાન છે. એના કેટલાક સુંદર દૃષ્ટાંતો પણ જોવા મળે છે. ભંડારિયા ગામમાં એક સિવાયના તમામ ખાતેદારોએ જમીન આપી હતી.
ભૂમિદાનનો સંકલ્પ પૂરો થયા પછી તેના વિતરણનો પ્રશ્ન મુખ્ય બની રહે છે. ત્યારે પણ તેઓ પોતાની દૃષ્ટિ સમજાવતા ફરે છે. ભૂમિદાનનો કાર્યક્રમ એ ક્રાંતિનો કાર્યક્રમ બની રહેવો જોઈએ. એમની પ્રબળ માન્યતા હતી કે આવી ક્રાંતિનું કાર્ય માત્ર ગામડાંથી જ થઈ શકશે. એની પાછળનું તત્ત્વજ્ઞાન સમજાવતાં કહે છે : શહેરોની જરૂરિયાતો વધારે છે અને શ્રમશક્તિ નથી. ગામડાંની જરૂરિયાતો ઓછી છે, અને શ્રમશક્તિ વધારે છે (પા. ૩) . તેથી ગામડાંઓ, અને તેમાં પણ સ્થાનિક આગેવાનોને વધુ જાગ્રત કરવા જોઈએ. બાવળા પાસેનું કોચરિયા ગામ કે જે તેમની પ્રયોગભૂમિનું ગામ ગણાય ત્યાં ૩૩ ભંગી કુટુંબોને જમીનની વહેંચણી થઈ. ત્યારે મહારાજશ્રી આદરીડાના આગેવાન રજપૂત ખેડૂત પથાભાઈને કહે છે : આજ સુધી તમે છોકરાઓની ચિંતા કરી, હવે હરિજન કુટુંબોની કરો ! (પા. ૧૯૮) આ જાહેરમાં બોલાયેલા શબ્દો પથાભાઈએ બરાબર પાળી બતાવ્યા હતા.
તેમની યાત્રા દરમિયાન ઠેકઠેકાણે ભૂદાન શિબિરો ગોઠવાય છે ત્યાં હાજર રહીને પ્રેરણા આપે છે.