________________
આંબલા ગામ સંસ્થા પેટે આપવાની ઈચ્છા બતાવી પણ નાનાભાઈએ કહ્યું, મારી કેળવણીની ગેડ બેઠી નથી. એટલે ગામ લઈને શું કરું ? કાર્યકરોને પણ તેમણે કહેલું કે તમે અહીં માત્ર શિખવાડવા આવતા નથી. પણ શીખવા આવો છો. એટલે આંખ ઉઘાડી રાખજો. આ બધાં ગામડિયાં મૂરખ નથી. એમની પાસેથી ઘણું શીખવાનું છે.
મુંબઈ સરકારે એક વાર ૧૪ લાખ રૂપિયા આપીને શહેરમાં કૉલેજ સ્થાપવાની ઇચ્છા પ્રદર્શિત કરી. પણ નાનાભાઈએ કહ્યું કે ભારત ગામડામાં વસે છે. એટલે મારે ગામડાને યોગ્ય કેળવણી આપવી હોય તો ગામડામાં રહીને જ કેળવણી આપવી જોઈએ. તમારે જ મને પૈસા આપવા હોય તો અહીં આપી શકો છો.
ત્યારબાદ નાનાભાઈએ કેળવણી કેવી હોય તે માટે કહ્યું, ગામડાંને અનુકૂળ કેળવણી હોય તે જ સાચી કેળવણી. સુધરેલા લોકોને આ ગમતું નથી. પણ તમ બધાના મનમાં જ ચોક્કસ નિષ્ઠા હોય તો પણ ઘણું થઈ શકશે. ભલે ચાર જણ રહ્યા, પણ જો પેટ ફુલાવીને દેડકાની જેમ જોરથી અવાજ કર્યા કરશે તો સંભળાશે ખરો. અંતમાં મહારાજશ્રીને, સંસ્થાને આશીર્વાદ આપવા વિનંતી કરી. સંસ્થા એક સાધુ-પુરુષના પુનિત પગલાંથી ધન્ય બની છે. એમના આશીર્વાદથી સંસ્થાને મોટું બળ મળી રહેશે.
છેવટે મહારાજશ્રીએ ખૂબ સુંદર રીતે પ્રશ્નોની છણાવટ કરી. સંસ્થાનાં કાર્યો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો અને નથુરામ શર્મા જેવા યોગ્ય વ્યક્તિના શિષ્ય તરીકે નાનાભાઈએ બ્રાહ્મણધર્મની પરંપરા સાચવી છે. તેથી આનંદ વ્યક્ત કર્યો અને આશીર્વાદ તો ઈશ્વરના છે જ. હું મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તા. ૪,૫,૬-૧-૧૯૫૪ : સોનગઢ
આંબલાથી સોનગઢ આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો કલ્યાણજી મુનિના આશ્રમમાં રાખ્યો હતો. વચ્ચે જિથરીગામ નજીક ટી.બી.ની હોસ્પિટલમાં દોઢેક કલાક રોકાયા હતા. અહીં ટી.બી. માટે ઘણી જ સુંદર સારવાર થાય છે. ઉપચાર માટેનાં બધાં જ સાધન છે. ડૉક્ટર ઘણા સારા છે. દરદીઓની ઇચ્છા મહારાજશ્રીનું પ્રવચન સાંભળવાની હતી. પણ સંજોગ પ્રમાણે ડૉક્ટરે બપોરે વ્યવસ્થા કરવા જણાવ્યું.
૨૬
સાધુતાની પગદંડી