________________
નવલભાઈ જયંતીભાઈ, ફૂલજીભાઈ, મુખી વગેરે ખેતરે ગયા. ત્યાં જોયું તો ગણોતિયાના ખેતરમાંથી વાવેલી સિંગ જેટે ફરીને બહાર નીકળતી હતી તે પાડીને બાજરીનું વાવેતર મંદિરનાં ત્રણ સાંતી કરી રહ્યાં હતા. એમને બોલાવ્યા. પૂછ્યું તો કહી દીધું, કે વાવેતર ફલાણા પટેલે કરેલું છે, પણ મંદિરે કહ્યું એટલે અમે આવ્યા છીએ. સરકલે બધાંની વિગત લખીને સહી કરવા કહ્યું. પણ તેમણે ના પાડી. જયંતીભાઈએ કહ્યું કે, તમે લખી શકો કે મારી રૂબરૂ આ લોકોએ જુબાની આપી છે. પછી મુખી આવ્યા પછી પંચક્યાસ થયો.
આ વાત મંદિરવાળાએ જાણી તેઓ ગભરાયા, એટલે રાત્રે કાર્યકરોને બોલાવ્યા. કહ્યું કે, અમો લવાદ સ્વીકારવા તૈયાર છીએ. નાનચંદભાઈ જેમણે ત્રણ ઉપવાસથી શરૂઆત કરી હતી તેઓ પારણાં કરી લે. કાર્યકરોએ સ્પષ્ટતા કરી કે પહેલાં તમે કહેતા હતા કે મને કોઈ સત્તા નથી. તમારે વડતાલ કમિટી પાસે વાટાઘાટ કરવી જોઈએ. હવે સત્તા મળી ગઈ છે ? કોઠારીએ હા કહી. આશ્ચર્ય તો ત્યાં સુધી બોલ્યા હતા કે નાનચંદભાઈ પારણું ના કરે ત્યાં સુધી હું ઊઠીશ નહિ. કાચું લવાદનામું તૈયાર થયું. તેની ઉપર ત્રણ જણ મંદિર તરફથી નારણભગત, કોઠારી અને કાઠી આગેવાન હઠીભાઈ અને ચાર કાર્યકરો, નવલભાઈ, જયંતીભાઈ, ફૂલજીભાઈ અને અંબુભાઈ હતા. મંદિર તરફથી પતાસાં વહેંચાયા. નાનચંદભાઈ ઉપર ફૂલ વેર્યા અને ફૂલનો હાર, ગજરા પહેરાવ્યાં. આ વખતે અંબુભાઈ ગૂંદી હતા. સવારે આવવાના હતા. એટલે લવાદમાં લખ્યું હતું કે પાકું લવાદખત અંબુભાઈ આવશે ત્યારે થશે. સવારના રાવજીભાઈ જે મંત્રી છે તેઓ આવ્યા. અંબુભાઈ બપોરના આવ્યા. લવાદખત તૈયાર કર્યું. પછી સહી કરાવવા ગયા. આ દરમિયાન કોઠારીને એવી સલાહ મળેલી કે ભાગ વધારે લીધો હોય અને પાક પાડી દીધો હોય, એવું સાબિત થાય તો, ફોજદારી ગુનો બને. આવા કારણોસર લવાદી ઉપર સહી કરવા ગલ્લાતલ્લાં કર્યા. તે દિવસે સાંજે જમવાનું બધા કાર્યકરોને મંદિરમાં જ હતું. કોઠારીએ કહ્યું, પ્રથમ તમે જમી લો. હમણા ચા આવશે. તે આવશે બહાના બતાવ્યા. છેવટે સહી ના થઈ. એટલે નવલભાઈએ પાંચ ઉપવાસ કરી શુદ્ધિપ્રયોગની પુનઃ શરૂઆત કરી.
૨૬ ૨
સાધુતાની પગદંડી