________________
ધર્મનાં બે અંગો એક ધર્મઆત્મા, બીજું ધર્મશરીર, આત્મા મુખ્ય છે. આત્મા વગરનું શરીર નકામું છે. સાધુનું જીવન કેટલું કઠણ છે. છતાં આજે આટલા બધા સાધુઓ કેમ થાય છે ? લાડવા ખાવા માટે સાધુ જીવન નથી. એ તો ત્યાગ માટે છે. મહાત્મા ગાંધીજીએ અમારા જેવાને જગાડ્યા. ધર્મને નામે ચાલતા વહેમો કાઢ્યા. એમને ગોસેવા શીખવી. પણ એ ગોસેવા માત્ર માટલાના આંકડાની નથી કંઈ ! આપણે ત્યાં એક પવિત્ર તિથિમાં ગાયના પૂંછડાનું પૂજન કરવામાં આવે છે. રશિયાના મહેમાનો આવ્યા ત્યારે, અરે કોલોની જોઈને કહે, આ કાળું ધન ક્યાંથી આવ્યું. અમારે ત્યાં ગાય ૬૦ રતલ દૂધ આપે છે અને અહીં અમારે ત્યાં ભાલનળકાંઠાના ગોપાલકોની શું દશા છે તેનું શું કરવું, તે કોઈ જોતું નથી. ચા માટે ભેંસનુ દૂધ જોઈએ. ગાયનું દૂધ પાતળું પડે છે. વાત બીજી વિચાર બીજો એ કેમ ચાલે ?
ગાંધીજી ગયા છે હવે લોકોમાં નિરાશા વ્યાપી છે. તેને ખંખેરવાની છે. ભૂદાન આંદોલનથી લોકોમાં વિશ્વાસ બેઠો છે. પણ હજુ ઘણું બાકી છે. લોકોએ માગેલો કાનૂન નહિ આવે ત્યાં સુધી સમગ્ર પ્રશ્ન ઉકલશે નહિ. ભાલનળકાંઠાના લોકોને ત્યાગ, તપની વાતો કરું છું. હવે ટીલા ટપકાંનો ધર્મ નહિ ચાલે. એ ભલે રહે, પણ મૂળ આત્મા ખોઈને નહિ, રાત્રે ભજન કરવાં અને સવારમાં માછલાં મારવા જવું. કંઠી પહેરવી અને કાળાંબજાર કરવાં એ કેમ ચાલે ? આજે તો મંદિરમાં દર્શન કરવા જાઓ તો ચંપલની ચિંતા કરવી પડે. મળે તો નસીબદાર આ સ્થિતિમાંથી ધર્મને બહાર કાઢવાનો છે.
ધર્મચર, સત્યમ્ વદ' આ અમારી શ્રુતિ કહે છે. પણ આજે તો ઊલટું બન્યું છે. તમે મંદિરમાં ભલે આવો, પણ ખોટા લેબલ રાખીને નહિ. ધર્મની રખેવાળી ત્રણ જણ કરશે. આજના સાધુઓ, સેવકો અને માતાઓ. પત્ની આગળ “ધર્મ' શબ્દ લાગે છે. પતિ આગળ નથી લાગતો. ઘર કોનું તો કહે ગૃહિણીનું અને સુખની વ્યાખ્યા પણ કેવી ? “પહેલું સુખ તે જાતે નર્યા'. બીજું સુખ તે ઘેર દીકરા. ત્રીજું સુખ સુલક્ષણાં નાર અને ચોથું સુખ કોઠીએ જાર.
બહેનોને તો હીરાની બંગડી જોઈએ. હીરા ના હોય તો સોનું તો જોઈએ જ, રામો પણ જોઈએ. પૈસા ક્યાંથી આવે છે તો કહે અમને ખબર નથી.
૧૮૪
સાધુતાની પગદંડી