________________
વ્યક્તિની વિચાર શક્તિની છૂટ રહે અને કામ થાય તે જ સાચો રસ્તો છે. બાપુજીએ આ આપણને બતાવ્યું છે. બળથી નહિ પણ અસહકાર કરીને, ટેકો નહિ આપીને, આપણે અન્યાયનો સામનો કરી શકીએ. પૂ. સંતબાલજીની દોરવણી સતત મળતી રહે. તેઓ મજૂર મહાજનના મહેમાન બન્યા છે. અહીં નિવાસ કર્યો છે. સંતપુરુષના આશીર્વાદ મળે તો આપણે સુખી થઈએ. એટલે ફરીથી તમારા સૌ વતી આભાર માનું છું. તા. ૧૩-૧-૧૯૫૬ : પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ
વિદ્યાપીઠથી નીકળી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં આવ્યા. પ્રથમ પ્રાર્થના થયા બાદ મહારાજશ્રીએ રચેલા “પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા'. ગીત સુંદર અભિનય સાથે બાળકોએ ગાઈ બતાવ્યું.
પ્રિન્સિપાલે પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, મહારાજશ્રીના નામથી આપણે સૌ પરિચિત છીએ. સમાજવાદી ઢબની સમાજ રચનાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. નવી તાલીમ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ કેટલીકવાર અંધારા આવી જાય છે. તો મહારાજશ્રી આપણને પ્રકાશ આપે.
મહારાજશ્રી : ઉપાધ્યાયગણ બહેનો અને ભાઈઓ આજે આપણે વિશેષ સાથે રહીએ તે મને ગમે. પણ તમો જાણો છો કે અમદાવાદ કસ કાઢી લે તેવું છે. એટલે ત્રણ વાગે આટોપવું પડશે. મારી ઇચ્છા હતી કે હું કંઈક કહું અને તમે મને પૂછો. પૂછવા જેવું તો તમે કહી દીધું છે. હવે હું કહીશ. સમાજશિક્ષણ ગંભીર વિષય છે. એક તો સમાજ અને બીજો ભાગ શિક્ષણ એટલે સમાજનું ઘડતર. માણસ માત્ર શરીરધારી પ્રાણી જ નથી, તેમ એ સામાન્ય રીતે જીવનારું પ્રાણી નથી. એ હંમેશ કંઈક ને કંઈક ઉમેરવાનો પ્રયત્ન કરતું હોય છે. એટલા માટે મનુષ્યના સમાજને સમાજ કહેવામાં આવ્યો છે. પ્રાણીઓના સમાજને ટોળું કહેવામાં આવે છે. સમાજ એ ટોળું તો છે જ. કારણ સાથે રહેવું પડે છે. વ્યક્તિની સાથે સમષ્ટિ છે. પણ સમ ઉપસર્ગ લાગે છે. સારી રીતે રહી શકે, તેવો સમાજ. આજે સારી રીતે સમાજ રહી શકે છે, તે શિક્ષકો માટે કોયડો છે એને નવી તાલીમ કહેવું ગંભીર છે. તેનો ખ્યાલ આવે છે. શિક્ષક માત્ર અક્ષરજ્ઞાન આપે તો એ સમાજ શિક્ષક નહિ બની શકે. એવું શિક્ષણ તો
સાધુતાની પગદંડી
૧૬૫