________________
બીજે દિવસે ગામમાં આવ્યા અને જૈન ભોજનશાળામાં રહ્યા. અને નવ વાગ્યે ત્યાં વ્યાખ્યાન રાખ્યું હતું. તા. ૧૬-૧૨-૧૫૪ : દલડી
થાનથી નીકળી દલડી આવ્યા. અંતર નવ માઈલ. વચ્ચે આણંદપુરાના ઉપાશ્રયમાં થોડું રોકાયા હતા. આ પ્રદેશમાં પથરાળ જમીન છે એટલે કપચીનાં કારખાનાં થાય છે. તા. ૧૭, ૧૮-૧૨-૧૯૫૪ : વાંકાનેર
દલડીથી નીકળી વાંકાનેર આવ્યા. અંતર નવ માઈલ હશે. ઉતારો ટાઉનહોલમાં રાખ્યો હતો. ઘણા ભાઈબહેનો સ્વાગત માટે સામે આવ્યા હતા. રસ્તામાં મહારાજશ્રી સામજી સ્વામીને ઉપાશ્રયમાં મળી આવ્યા હતા. મહારાજશ્રીના સંસારનાં ઘણાં સગાંસંબંધીઓ અહીં રહે છે.
રાત્રે જાહેરસભા થઈ હતી. યુગધર્મ વિશે પ્રવચન કર્યું હતું. ૩ થી ૪ વાર્તાલાપ રાખ્યો હતો. તે પછી હિંમતભાઈ કે જેમનું થોડા મહિના પહેલા ગરાસદારોએ ખૂન કર્યું હતું. તેમને ઘેર આશ્વાસન માટે જઈ આવ્યા. આ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તા અને સ્પષ્ટ વક્તા હતા. સ્થાપિત હિતવાળાઓને તેમની હાજરી ગમતી નહોતી. એટલે આમ બન્યું હશે. લોકો ઉલ્ટાસૂલ્ટી વાતો કરતાં હતાં. જમાઈ-દીકરીએ રડતી આંખે કેટલીક વાતો કરી અને આગળ બોલી પણ ના શક્યા. એટલું બોલ્યા કે અમે તો જીવન હારી ગયાં છીએ. મહારાજશ્રીએ એમને આશ્વાસન આપતાં કહ્યું કે તમને લાગી આવે એ સ્વાભાવિક છે. પણ જો અન્યાયનો સામનો કરતાં એમનું ખૂન થયું હોય તો એ બલિદાન બદલ ગૌરવ લેવું જોઈએ. છાપાંના અગ્રલેખ કેવા લખાય છે. એમનું મૃત્યુ વીર મૃત્યુ છે. જો લોકોમાં એમ થઈ જાય કે બહુ કામ કરતાં આમ થાય તો કામ જ ના કરવું. તો તો મહાઅનર્થ થાય. એકવાર મરવું છે. સિદ્ધાંત ન મરવો જોઈએ. તો બીજાને પ્રેરણા મળશે.રાત્રે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખ્યો હતો. કેટલાંકે પૂછયું તમે જૈન સાધુ કહેવડાવો છો કે નહિ ? જૈન સાધુ સાથે બહેન રહી શકે કે નહિ ? વગેરે પ્રશ્નો પૂડ્યા. અને એના સંતોષકારક સુંદર જવાબો અપાયા. લોકોને બહુ રસ પડ્યો અને કેટલુંક સમાધાન થઈ ગયું અને ગેરસમજ દૂર થઈ.
સાધુતાની પગદંડી
૧૧૭