________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૦૯
સ્વાધ્યાય (એક અત્યંતર તપ) તે સજઝાય કહેવાય. પણ જૈન પરિભાષામાં સજ્ઝાય શબ્દ પરંપરાથી વિશિષ્ટ પદ્યરચના સ્વરૂપે પણ સ્વીકૃત છે. હિતકારક અને મનન કરવા યોગ્ય કોઈ પણ ભાવનાશીલ પદ્યકૃતિ - જેમાં મહાપુરુષમહાસતીના ગુણનું વર્ણન પણ આવે, આત્મહિત બોધ પણ આવે, પ્રસંગ કે પર્વ આશ્રિત કૃતિઓ પણ આવે.
અહીં ભરફેસર સજ્ઝાય એ પ્રાતઃસ્મરણીય એવા ત્રેપન આદિ અનેક મહાપુરુષો અને સડતાલીશ આદિ અનેક મહાસતીઓના નામોના સ્મરણ રૂપે રચાયેલ સજઝાય છે.
અહીં આ નામો મુજબના પાત્રોનો સામાન્ય પરિચય રજૂ કરેલ છે. જો કે આ સઝાય પર “ભરતેશ્વર બાહુબલિ-વૃત્તિ' નામથી એક ટીકા શુભશીલગણિજીએ રચી છે. જેમાં ભરત, બાહુબલિ આદિ કથા વિસ્તારથી અપાયેલી છે. અનેક ગ્રંથોમાં પણ આ પાત્રોના કોઈને કોઈ કથાનકો જોવા મળે છે. તો વળી કોઈ-કોઈ પાત્રની કથાના તો સ્વતંત્ર ગ્રંથો પણ રચાયા છે. જેમકે અભયકુમાર ચરિત્ર, શાલિભદ્રનો રાસ, જંબૂકુમાર ચરિત્ર વગેરે - વગેરે - વગેરે.
અહીં તો આ પાત્રોનો સંક્ષેપ પરિચય જ માત્ર આપેલ છે - આ પરિચય આપતી વખતે એક સ્પષ્ટીકરણ જરૂરી છે.
(૧) મુખ્ય આધાર રૂપે અમે “ભરફેસર બાહુબલિ-વૃત્તિ” રાખી છે. (૨) શક્યતઃ પાત્રો સાથે આગમ પંચાંગીનો સંદર્ભ નોંધ્યો છે.
(3) જુદા જુદા ગ્રંથોમાં કથાઓમાં ઘણાં પરિવર્તનો જોવા મળે છે. તેથી આ જ ‘કથાલેખન' સાચું અને તે સિવાયનું કથાલેખન' ખોટું તેવા ભ્રમમાં પડવું નહીં. કેમકે ગ્રંથોમાં ઘણું કથાંતર જોવા મળે છે.
(૧) ભરત –
ભગવંત ઋષભદેવના પ્રથમ પુત્ર, આ અવસર્પિણીના ભરતક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી એવા ભરત થયા. પૂર્વભવે તેઓ બાહ નામે મુનિ હતા. સાધુઓની વૈયાવચ્ચના પ્રભાવે જબરજસ્ત ભોગકર્મ બાંધ્યું અને અનુત્તરવિમાનનો દેવ ભવ પુરો કરી આ ભવે ચક્રવર્તીપણું પામ્યા. કોઈ વખતે આરીસાભુવનમાં પોતાના અલંકૃત શરીરને જોતા હતા, તે વખતે એક આંગળીને વીંટી રહિત જોઈને આંગળી શોભારહિત જાણી. બધાં અલંકારો ઉતાર્યા ત્યારે સમગ્ર શરીરને શોભારહિત જાણ્યું. “અનિત્ય ભાવના' નામક વૈરાગ્ય ભાવનાની ધારાએ ચડ્યા. સર્વે પદાર્થોની અનિત્યતા ચિંતવતા શુક્લધ્યાન મગ્ન બન્યા કેવળજ્ઞાન-કેવળદર્શન પામી ગયા. ઇન્દ્રમહારાજાએ આવીને નમ્રતાથી કહ્યું કે, આપ ભાવલિંગને પામી ગયા છો, હવે દ્રવ્યલિંગને ધારણ કરો, અમે આપનો નિષ્ક્રમણ મહોત્સવ કરીએ. ત્યારપછી ભાવચારિત્રી એવા ભરત રાજર્ષિએ દ્રવ્યથી મસ્તકનો લોચ કર્યો. દેવતાએ આપેલ મુનિવેશ ધારણ કર્યો. જોહરણપાત્રાદિ ગ્રહણ કર્યા પછી કિંચિત્ જૂન એક લાખ વર્ષ કેવલી પર્યાય પાળીને છેલ્લે એક માસનું અનશન કરીને સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે ગયા.