________________
૮૯
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
એક જ દિવસનું ચારિત્ર, એક જ રાત્રિનો કાયોત્સર્ગ તેને મોક્ષ અપાવી ગયો. આપણે પણ કાયોત્સર્ગ કરીએ છીએ ને પ્રતિક્રમણમાં?એક જ નવકારના કાઉસ્સગ્નમાં પણ આપણી સ્થિરતા કેટલી ? હવે તો નિર્ણય જ કરી દો કે હું કાઉસ્સગ્નમાં પુરો સ્થિર રહીશ. મચ્છર કરડે, ખણ આવે કે બીજી કોઈ તકલીફ પડે, પણ હું કાઉસ્સગ્ગ માં જરા પણ હલીશ નહી.
કથા- ૩ઃ દશાર્ણભદ્ર દશાર્ણ નામે નગર હતું. તે નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા હતો. રાજાને સમાચાર મળ્યા કે કાલે શ્રી મહાવીરપ્રભુ તેના નગરમાં પધારી રહ્યા છે. રાજા તો ખુશખુશ થઈ ગયો. નગર આખામાં ઢંઢેરો પીટાવી દીધો કે બધાં એ વીરપ્રભુના વંદન કરવા જવાનું છે. એટલી સજાવટ કરો કે આવી સજાવટ કરીને કોઈએ પણ આજ સુધી ભગવાનને વંદન ન કર્યું હોય.
સર્વઋદ્ધિ સહિત, સંપૂર્ણ શૃંગાર પૂર્વક ચતુરંગીણી સેના સહિત રાજા નગરજનો સાથે વંદન કરવા નીકળ્યો. ખૂબજ ઠાઠથી નીકળેલો છે. ૧૮ હજાર હાથી, ૨૪ લાખ ધોડા, ૨૧ હજાર રથ, ૯૧ કરોડપાયદળ, ૧૦૦૦ સુખપાલ, ૧૬ હજાર ધજા એવા મોટા આડંબર સાથે શ્રી વીરપ્રભુને વંદન કરવા આવ્યો. આટલી મોટી સમૃદ્ધિ પૂર્વક આવીને વંદન કરતી વખતે તેના મનમાં અહમ્ હતો, અભિમાન હતું. તે અભિમાન ખોટું હતું. દેવલોકમાં બેઠેલા ઈન્દ્ર પણ વિચાર કર્યો કે જો આ રાજા અભિમાન છોડી દે તો ખરેખર ! આ વંદન તેને માટે મહા-કલ્યાણકારી બની જાય.
ઈન્દ્ર પણ પરમાત્માના વંદન માટે નીકળ્યા. પણ ખરેખર તેની ભાવના દશાર્ણભદ્ર નું માન ખંડન કરવાની હતી. તેણે ઐરાવણ દેવતાને બોલાવ્યો. દેવતાને હાથીનું રૂપ બનાવવાનું કહ્યું. પણ આ હાથી કેવો? દરેક હાથીને ૫૧૨ માથા હતા. દરેક માથામાં આઠ-આઠ મોટા દાંત હતા, દરેક દાંત માં આઠ-આઠ વાવડી હતી. દરેક વાવડીમાં આઠ-આઠ કમલ હતા.દરેક કમલમાં એક લાખ પાંખડી હતી. એક એક પાંખડી ઉપર બત્રીશબદ્ધ નાટક થતા હતા. આવો એક હાથી નહીં પણ ૬૪૦૦૦ હાથી હતા.
સામાન્ય ગુણાકાર કરો જોઈએ ૫૧૨ માથા X ૮ દંતુશળ = ૪૦૯૬ X ૮ વાવડી = ૩૨૭૬૮ X ૮ કમળ = ૨૬૨૧૪૪ કમળ, તે કમળની એક લાખ પાંખડી એટલે ૨૬ અબજ, ૨૧ કરોડ, ૪૪લાખ નાટક એક હાથી ઉપર ચાલતા હતા. એવા ૬૪000 હાથી હતા.