________________
યતિઅંતિમ આરાધના પરિચય
પ્રસ્તુત સંપાદનમાં ઉપા. શ્રી. સમયસુંદરજીમ. કૃત “યતિઅંતિમ આરાધના” પ્રસ્તુત છે. તેનું બીજું નામ “સાધુઆરાધના” છે. મરણસમય પહેલાં સાધુભગવંતોએ આત્મશુદ્ધિ માટે કેવા પ્રકારની આરાધના કરવી જોઇએ. તેનું વર્ણન આ શાસ્ત્રમાં છે. તેની ભાષા જૂની ગુજરાતી છે. આ લઘુકૃતિની રચના રાજસ્થાનના રિણિગામમાં થઈ છે. બિકાનેર પ્રાંતના સરદારશહર પાસે રાજગઢ સ્ટેશનથી ૪૧માઇલ દૂર રિણિગામ છે. તે રિણિતારાનગર)નામે પ્રસિદ્ધ છે. ગામમાં શિખરબદ્ધ દેરાસર છે. મૂળનાયક શ્રી શીતલનાથજી ૧000વર્ષ પ્રાચીન છે. પ્રતિમા પર સં. ૧૦૫૮નો લેખ છે. ૬૦ વર્ષ પહેલા અહીં જૈનોના ચાર ઘર હતાં. દેરાસરનો વહીવટ યતિ શ્રી પનાલાલજી સંભાળતા હતા. ઉપા. શ્રી. સમયસુંદરજી મ. એ અહીં ચોમાસું કર્યું છે તેથી પૂર્વે અહીં ઘણાં ઘર હશે તેવું અનુમાન થઈ શકે.
ઉપા. શ્રી સમયસુંદરજી તે વિદગ્ધ વિદ્વાન હતા. તેમણે અનેક શાસ્ત્રોની રચના કરી છે. તેમનો પરિચય અને તેમની રચનાઓ વિષે મહો. વિનયસાગરજી મ. નો લેખ અહીં અલગથી આપવામાં આવ્યો છે. આ લેખમાં તેમની રચનાઓમાં યતિઅંતિમ આરાધનાનું નામ નથી તેથી આ કૃતિ અપ્રગટ છે એમ કહી શકાય. મહો. સમયસુંદરજીના ગીતો માટે રાજસ્થાનમાં ઉક્તિ પ્રચલિત હતી
"રાણા કુંભારા ભીંતડા અર સમયસુંદરરા ગીતડા"
મહારાણા કુંભાએ રાજસ્થાનને મોગલોના આક્રમણથી બચાવવા કિલ્લાઓ બનાવ્યા હતાં, તેની ભીંતો અભેદ્ય હતી, અને એથી જ આખા રાજસ્થાનમાં પ્રચલિત પણ હતી. તેની જેમ જ મહો. સમયસુંદરજીના ગીતો પણ ઘેર-ઘેર ગવાતાં.
પ્રસ્તુત કૃતિમાં ઉપા. શ્રી સમયસુંદરજીમ. એ સાધુભગવંતે અંતિમસમયે કરવાની આરાધનાનું વર્ણન કર્યું છે. સાધુજીવનમાં વડી દીક્ષા અને પદવી જેટલાં મહત્ત્વના છે તેટલી જ મહત્વની અંતિમ આરાધના છે. ભગવાનની પ્રતિષ્ઠા માટે શ્રેષ્ઠ મુહૂર્ત જોવાય છે, વડી દીક્ષા, પદવી માટે શ્રેષ્ઠ મુહૂર્ત જોવામાં આવે છે તેમ અંતિમ આરાધના માટે પણ શ્રેષ્ઠ મુહૂર્ત પસંદ કરવામાં આવે છે. પ્રતિષ્ઠા, વડીદીક્ષા અને પદવી શ્રેષ્ઠ ગુરૂની નિશ્રામાં કરવામાં આવે છે તેમ અંતિમ આરાધના માટે શ્રેષ્ઠ ગુરુની નિશ્રા અપેક્ષિત છે. ઉપા. શ્રી સમયસુંદરજીમ. એ આ વાત ઉપર ભાર મૂક્યો છે.
સાધુઓની અંતિમ આરાધનાના છ પ્રકાર કહ્યાં છે. એટલે કે મરણ પૂર્વે સમાધિ ઇચ્છતા સાધુએ છે કામ અવશ્ય કરવાનાં છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે
सोहि उज्जुअभूयस्स, धम्मो सुद्धस्स चिठ्ठ॥