________________
મહોપાધ્યાય શ્રી સમયસુંદરજી
– મહોપાધ્યાય વિનયસાગરજી
સત્તરમી સદીના મહાકવિઓમાં મહોપાધ્યાય શ્રી સમય = સિદ્ધાન્ત (સ્વદર્શન અને પરદર્શન) ને સુંદર = મનોહર રૂપમાં જન સાધારણ સમક્ષ તથા વિદ્વાનો સમક્ષ રાખવાવાળા, સમય = કાલ તથા ક્ષેત્રોચિત સાહિત્યનું સર્જન કરીને સમયનો સુંદર = પ્રશસ્તતમ ઉપયોગ કરવાવાળા, અન્વર્થક નામધારક મહામના મહર્ષિ મહોપાધ્યાય શ્રી સમયસુંદરજી ગણી છે. એમની યોગ્યતા તેમ જ બહુમુખી પ્રતિભાના સંબંધમાં વિશેષ ન કહેતા આટલું જ કહીએ તો કોઈ અત્યુક્તિ નહીં થાય કે - કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય પછી બધા વિષયોમાં મૌલિક સર્જનકાર તથા ટીકાકારના રૂપમાં વિપુલ સાહિત્યનું નિર્માણ કરનાર અન્ય કોઇ કદાચ જ થયો હશે. સાથે જ આ પણ સત્ય છે કે મહોપાધ્યાય શ્રી, આચાર્ય હેમચંદ્રની જેમ જ વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, ન્યાય, અનેકાર્થકોષ, છન્દ, દેશી ભાષા તથા સિદ્ધાંત શાસ્ત્રોના પણ તેઓ અસાધારણ વિદ્વાન હતા. સંગીતશાસ્ત્રના એક અદ્ભુત કલાવિદ્ (કલાના જાણકારી પણ હતા. તેમની બહુમુખી પ્રતિભા અને અસાધારણ યોગ્યતાનો માપદંડ કરતાં પહેલા એમના જીવન અને વ્યક્તિત્વનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કરવો સમુચિત ગણાશે.
જન્મ અને દીક્ષા- રાજસ્થાન પ્રદેશના સાંચોર (સત્યપુર) માં એમનો જન્મ થયો હતો. એમના માતાપિતા પોરવાલ જાતિના હતા. એમની માતાનું નામ લીલાદેવી અને પિતાનું નામ રૂપસી હતું. કવિનો જન્મ અજ્ઞાત છે પણ કવિરચિત ભાવશતકને આધાર માનીને મારા મતાનુસાર એમનો જન્મ સંવત્ ૧૬૧૦ના લગભગ માની શકાય. તેમણે દીક્ષા કયા સંવતમાં લીધી એનો પણ કોઇ ઉલ્લેખ પ્રાપ્ત નથી પરંતુ એમના જ શિષ્ય વાદી હર્ષનંદન પોતાની સમયસુંદરગીતમાં નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો જી નો ઉલ્લેખ કર્યો છે તેથી એમનો દીક્ષા ગ્રહણ કાલ ૧૬૨૮ થી ૩૦ની વચ્ચેનો માની શકાય. એમની દીક્ષા અકબર પ્રતિબોધક યુગપ્રધાન આ. શ્રી જિનચન્દ્રસૂરિજીના પોતાના કરકમલોંથી થઈ હતી અને પોતાના પ્રથમ શિષ્ય ઉપા. શ્રી સકલચન્દ્રમણિના શિષ્ય કરીને મુનિ શ્રી સમયસુંદર નામ આપ્યું હતું. એમની શિક્ષા-દીક્ષા યુગપ્રધાન જિનચંદ્રસૂરિના જ શિષ્ય વાચક મહિમરાજ (જિનસિંહસૂરિ) અને સમયરાજ ઉપાધ્યાયની નિશ્રામાં જ થઈ હતી. અર્થાત્ આ બન્ને સમય મહોપાધ્યાય શ્રી સમયસુંદરજીના વિદ્યાગુરુ હતા.
ગણિપદ- ભાવશતકની રચનાપ્રશસ્તિમાં કવિએ પોતાના નામ સાથે ગણિપદનો ઉલ્લેખ કર્યો છે. ભાવશતકની રચના સંવત્ ૧૬૪૧ માં થઈ. તેથી વધારે સંભાવના છે કે યુગપ્રધાન આ. શ્રી જિનચંદ્રસૂરિએ સંવત્ ૧૬૪૦ માઘ સુદિ પાંચમ ને જેસલમેરમાં વાચક મહિમરાજની સાથે જ તેમને પણ ગણિપદ પ્રદાન કર્યું હશે.