________________
પ્રકાશકીય
પરમાત્મા શ્રી મહાવીર દેવે જગતને બે અણમોલ ભેટ આપી છે - અહિંસા અને અનેકાંત. ‘અહિંસા અને અનેકાંતના સહારે આત્મધ્યાનની સાધના ભગવાનના ઉપદેશનું કેંદ્રબિંદુ છે. ભગવાનનો આ ઉપદેશ આગમ અને શાસ્ત્રોના માધ્યમથી પ્રવાહિત થયો છે. આગમ અને શાસ્ત્રો જૈનધર્મની માત્ર ધરોહર જ નથી પરંતુ અણમોલ વિરાસત પણ છે. પરમાત્મના નિર્વાણના એક હજાર વર્ષ પછી આગમ અને શાસ્ત્રો લખાયા. શરુઆતમાં તાડપત્રો ઉપર અને ત્યાર પછી કાગળ ઉપર શાસ્ત્રો લખવામાં આવતા હતા. આજે શ્રી સંઘ પાસે હાથથી લખેલી દશ લાખ હસ્તપ્રતો છે. મુદ્રણ યુગ શરુ થયા પછી આગમ અને શાસ્ત્રો છપાવા લાગ્યા.
લેખન અને મુદ્રણ કરતી વખતે આગમ અને શાસ્ત્રોમાં માનવ સહજ સ્વભાવવશ ભૂલો થઇ છે. આજે ઘણાં શાસ્ત્રો મુદ્રિત રૂપે મળે છે જેનું સંશોધન આજે પણ બાકી છે, જે માત્ર પ્રાચીન તાડપત્ર ઉપર લખેલી હસ્તપ્રતોના આધારે થઈ શકે છે. શ્રુતભવનનું લક્ષ્ય આના મુખ્ય આધારે સંશોધન કાર્ય કરવાનું છે. સંશોધન કાર્ય કરવા માટે અમારી સંચાલન સમિતિએ વિશેષજ્ઞ પંડિતોની નિમણૂક કરી છે.જેઓ ટ્રેનીંગ મેળવીને પૂ. મુનિશ્રી વૈરાગ્યરતિ વિ. ગણિવરના માર્ગદર્શન પ્રમાણે આ કાર્યમાં સંલગ્ન છે. આ કામમાં અનેક સમુદાયોના વિશેષજ્ઞ આચાર્યભગવંતોનું માર્ગદર્શન અને સહાય મળી રહી છે. કાર્યની વિશાળતા, મહત્તા અને ઉપયોગિતા જોતાં આગામી સમયમાં પંડિતોની સંખ્યા વધારવાનો ઇરાદો છે.
આની સાથે બીજું પણ આયોજન છે, આજ સુધી જે શાસ્ત્ર મુદ્રિત રૂપમાં ઉપલબ્ધ નથી તેનું સંશોધન કરીને પ્રકાશિત કરવા. આ શાસ્ત્રોને બે વિભાગમાં વહેંચી શકાય છે. ૧ સાધુ ઉપયોગી ૨ ગૃહસ્થ ઉપયોગી. ગૃહસ્થ ઉપયોગી શાસ્ત્રોનો સરળ સારાંશ કરીને અંગ્રેજી, હિન્દી, અને ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરવામાં આવશે.
પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય ગુરુદેવ મુનિપ્રવરશ્રી વૈરાગ્યરતિવિજયજી ગણિવરે શ્રુતભવન સંશોધન કેંદ્રના શ્રુતસેવીઓની સહાયથી આ સંપાદન તૈયાર કર્યું છે. પ્રાચીન કૃતિઓનું પ્રકાશન કરવા દ્વારા હસ્તપ્રતોમાં સચવાયેલા શાશ્વત જ્ઞાનને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનો લાભ અમને પ્રાપ્ત થયો તેનો આનંદ છે.
આ ગ્રંથના પ્રકાશનનો લાભ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘે જ્ઞાનનિધિમાંથી લીધો છે. તેમની વ્યુતભક્તિની હૃદયપૂર્વક અનુમોદના.
શ્રુતભવનમાં કાર્યરત સંપાદકગણ તેમજ શ્રુતભવન સંશોધન કેંદ્રની તમામ પ્રવૃત્તિનાં મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી માતુશ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર તેમ જ અન્ય સહુ લાભાર્થીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું.
ભરત શાહ (માનદ અધ્યક્ષ)