________________
પ્રકાશકીય
૫૨માત્મા શ્રી મહાવીર દેવે જગતને બે અણમોલ ભેટ આપી છે - અહિંસા અને અનેકાંત. અહિંસા અને અનેકાંતના સહારે આત્મધ્યાનની સાધના' ભગવાનના ઉપદેશનું કેંદ્રબિંદુ છે. ભગવાનનો આ ઉપદેશ આગમ અને શાસ્ત્રોના માધ્યમથી પ્રવાહિત થયો છે. આગમ અને શાસ્ત્રો જૈનધર્મની માત્ર ધરોહ૨ જ નથી પરંતુ અણમોલ વિરાસત પણ છે. ૫૨માત્માના નિર્વાણના એક હજાર વર્ષ પછી આગમ અને શાસ્ત્રો લખાયા. શરુઆતમાં તાડપત્રો ઉપર અને ત્યાર પછી કાગળ ઉપર શાસ્રો લખવામાં આવતા હતા. આજે આપણી પાસે ૩૫૦૦૦ શાસ્ત્રોની હાથથી લખેલી દશ લાખ હસ્તપ્રતો છે. મુદ્રણ યુગ શરુ થયા પછી આગમ અને શાસ્ત્રો છપાવા લાગ્યા.
લેખન અને મુદ્રણ કરતી વખતે આગમ અને શાસ્ત્રોમાં માનવ સહજ સ્વભાવવશ ભૂલો થઇ છે. આજે ઘણા શાસ્ત્રો મુદ્રિત રૂપે મળે છે જેનું સંશોધન આજે પણ બાકી છે, જે માત્ર પ્રાચીન તાડપત્ર ઉપર લખેલી હસ્તપ્રતોના આધારે થઇ શકે છે. શ્રુતભવનનું લક્ષ્ય આના મુખ્ય આધારે સંશોધન કાર્ય ક૨વાનું છે. સંશોધન કાર્ય ક૨વા માટે અમારી સંચાલન સમિતિએ વિશેષજ્ઞ પંડિતોની નિમણૂક કરી છે જેઓ ટ્રેનીંગ મેળવીને પૂ. મુનિશ્રી વૈરાગ્યરતિ વિ. ગણિવરના માર્ગદર્શન પ્રમાણે આ કાર્યમાં સંલગ્ન છે. આ કામમાં અનેક સમુદાયોના વિશેષજ્ઞ આચાર્યભગવંતોનું માર્ગદર્શન અને સહાય મળી રહી છે. કાર્યની વિશાળતા, મહત્તા અને ઉપયોગિતા જોતા આગામિ સમયમાં પંડિતોની સંખ્યા વધારવાનો ઇરાદો છે.
આની સાથે બીજું પણ આયોજન છે, આજ સુધી જે શાસ્ત્ર મુદ્રિત રૂપમાં ઉપલબ્ધ નથી તેનું સંશોધન કરીને પ્રકાશિત ક૨વા. આ શાસ્ત્રોને બે વિભાગમાં વહેંચી શકાય છે. ૧) સાધુ ઉપયોગી ૨) ગૃહસ્થ ઉપયોગી. ગૃહસ્થ ઉપયોગી શાસ્ત્રોનો સરળ સારાંશ ક૨ીને અંગ્રેજી, હિન્દી, અને ગુજરાતી ભાષામાં પ્રસ્તુત ક૨વામાં આવશે.