________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક- ૩૦
૭૯૧ વિવેચન :- આ ત્રણ ગાથામાં કહેવાતાં વિશેષણોવાળા ધ્યાન કરનારા મહાત્માને સરખાવી શકાય, ઉપમાથી સમજાવી શકાય એવી કોઈ વસ્તુ, દેવ અને મનુષ્યોથી ભરેલા આ વિશ્વમાં નથી, સારાંશ કે આખો આ લોક અસંખ્ય દેવો અને અપાર મનુષ્યોથી ભરપૂર ભરેલો છે. પણ તેમાં કોઈ એવો જીવ નથી કે જે જીવને ધ્યાનસ્થ એવા આ મુનિની સાથે સરખાવી શકાય. અહીં મૂલશ્લોકમાં હિ શબ્દ છે તેનો અર્થ નિશ્ચિત કરવો, એવી કોઈ ઉપમા જ નથી કે જેની સાથે આ મહાત્માને સરખાવી શકાય, તથા આ લોક દેવ-મનુષ્યતિર્યંચ અને નારકીના જીવો, એમ ચાર પ્રકારની ગતિના જીવોથી ભરેલો છે. છતાં અહીં મૂલગાથામાં દેવમનુને લખીને તેમાં જે તિર્યંચ અને નરકનું ગ્રહણ કર્યું નથી તેનું કારણ એ છે કે તે બન્ને ગતિ તો ઘણી હલકી જ છે જો ઊંચી ગતિમાં ઉપમા મળતી નથી તો નીચી ગતિમાં તો ઉપમા મળવાની જ ક્યાં છે? એમ સમજીને દુર્ગતિ હોવાથી તે બન્ને ગતિનું અગ્રહણ કરેલ છે. આ રીતે વિચારતાં ત્રણે ભુવનમાં પણ આ મહાત્માને સમજાવી શકાય એવી ઉપમાનું સાદેશ્ય પ્રાપ્ત થતું નથી અર્થાત્ અનુપમ છે.
સંસારમાં રહેલ સર્વે જીવો (પછી ભલે તે દેવ હોય અથવા મનુષ્યાદિ હોય તો પણ) ઈન્દ્રિયોના સુખમાં અને ભોગવિલાસમાં ડુબેલા છે અને આ ધ્યાનસ્થ મહાત્મા તો આત્મતત્ત્વના જ્ઞાનના અનુભવમાં લીન થયેલા છે. આત્માના ગુણોના અનુભવનો જે સહજ આનંદ છે તેમાં વિલાસ કરનારા છે અર્થાત્ સ્વભાવસુખમાં મગ્ન છે. તે મહાત્માની તુલના કોની સાથે કરાય? અર્થાત્ કોઈની સાથે તુલના ન કરી શકાય તેવા આ મહાત્મા છે.
આ મહાત્મા એવું તે શું કાર્ય કરે છે? કે જેથી તેમની તુલના લોકમાં પ્રાપ્ત થતી નથી. તો જણાવે છે કે – આ મહાત્મા પોતાના આત્માની અંદરના મધ્યભાગમાં જ જ્યાં કોઈ બાહ્યશત્રુ પણ નથી અને જ્યાં કોઈ અભ્યત્તર શત્રુ પણ નથી એવું સર્વથા અપ્રતિસ્પર્ધી = શત્રુ વિનાનું રાજ્ય ભોગવે છે. સર્વથા પરભાવથી અગમ્ય એવું સામ્રાજ્ય ભોગવે છે. પોતાના જ ગુણોની સંપત્તિ રૂપ સ્વભાવદશાના પરિવારથી યુક્ત એવું અને સ્વાધીન એવું આત્મગુણોનું રાજ્ય ભોગવે છે તથા પોતાના જ ગુણોના આનંદથી વ્યાપ્ત એવા અસંખ્ય આત્મપ્રદેશોમાં કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન થાય તેવી રીતનું રાજ્ય અનુભવે છે. સંસારના રાજાઓનાં રાજ્યો પરાધીન હોય છે અંદરના અને બહારના અનેક શત્રુઓવાળાં હોય છે. પરિમિત આનંદવાળાં હોય છે. જ્યારે આ મુનિમહાત્માનું આત્મગુણોનું સામ્રાજ્ય અલૌકિક છે તેથી ચરાચર એવા આ લોકમાં તેની ઉપમા ઘટતી નથી. (આ આઠમા શ્લોકનો ભાવાર્થ થયો). આ કારણથી છઠ્ઠા અને સાતમાં શ્લોકમાં ષષ્ઠી વિભક્તિ જેને અંતે છે એવાં સર્વે પણ વિશેષણો આ ધ્યાનમાં જોડવાં.