________________
૭૧૪
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
ગુણવાળા હોવાથી સ્વતત્ત્વને જ જાણવા વધુ પ્રેરણા પામે છે. પોતાના આત્મામાંથી જ એવો અવાજ ઉઠે છે કે હે જીવ ! સંસારના તમામ પદાર્થો ભિન્ન ભિન્ન દર્શનકારોના મત પ્રમાણે જાણ્યા, પરંતુ તેમાં તારું દારિદ્રય શું દૂર થયું ? તારું સ્વરૂપ તું જાણ, તેને મેળવવા પ્રયત્ન કર, બાહ્યસ્વરૂપ જાણવાથી તને શું લાભ ? તે તો રાગ-દ્વેષ-મોહ અને વિકાર આદિ કરાવશે, તેનાથી તો મલીનતા જ વધશે. માટે તારા સ્વરૂપને જાણવા તું પ્રયત્ન કર.
આ પ્રમાણે આત્મતત્ત્વના સ્વરૂપને જાણવાની તમન્ના જાગે છે. તેનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવાની દૃષ્ટિ સ્વરૂપ અનુભવજ્ઞાન તે જીવને ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. તેમાં વધારો થાય છે. જીવનો વળાંક બદલાય છે જે પરપદાર્થોને જ જાણવા પ્રેરાતો હતો તે હવે પોતાના શુદ્ધ-નિર્મળ-નિરુપાધિક આત્મસ્વરૂપને જ ગ્રહણ કરવાની દૃષ્ટિરૂપ અનુભવજ્ઞાન દ્વારા સ્વયં પોતાના આત્માથી જ જાણી શકાય-સમજી શકાય તેવા પ્રકારના આત્મજ્ઞાનના આસ્વાદનને યોગ્ય આત્માના પરમ શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા વાળો આ જીવ બને છે.
આગમશાસ્રમાં કહ્યું છે કે - આત્મતત્ત્વને મેળવવાની ઈચ્છાવાળો આ જીવ પ્રથમ તો સ્વશાસ્ત્રોને જાણે છે. જૈન આગમ શાસ્ત્રોને નિરંતર ભણે છે. તેનાથી દૃઢ શ્રદ્ધાવાળો બને છે. ત્યારબાદ અન્ય દર્શનકારો જગતના તત્ત્વોને કઈ રીતે સમજાવે છે ? તેનું જ્ઞેયભાવે અવગાહન કરે છે. તેથી આ જ્ઞાની આત્મા હેય-ઉપાદેય ભાવોને જાણવા વાળો બને છે. તેનાથી વધારે વિવેકી બને છે. આ પ્રમાણે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્ર જાણીને જ્ઞાની બનીને હેય-ઉપાદેય તત્ત્વને બરાબર સમજીને માત્ર મેળવવા જેવા અતિશય ઉપાદેય એવા આત્મતત્ત્વને જ મેળવવાની ભાવના ભાવીને તેનો જ અત્યન્ત ઈચ્છુક બને છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનો જ રસિક બને છે. અને ધીરે ધીરે આ મહાત્મા પુરુષ આત્મકલ્યાણ સાધે છે.
આ કારણથી જ આગમશાસ્ત્રોના અભ્યાસમાં જ ચકોર બુદ્ધિવાળા મહાત્મા પુરુષ જ શુદ્ધ તત્ત્વનો વારંવાર અનુભવ કરવા વડે પરભાવદશા ત્યજીને શુદ્ધ સ્વભાવદશામાં જ નિરંતર વર્તવા વડે નિર્મળ શુદ્ધ યથાર્થ એવા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તેના દ્વારા આવા મહાત્માઓ મુક્તિગામી થાય છે. તેથી કરીને આત્મતત્ત્વના શુદ્ધસ્વરૂપના અનુભવનો જ સતત અભ્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે છવ્વીસમા અનુભવાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ઘટા
છવ્વીસમું અનુભવાષ્ટક સમાપ્ત