________________
૪૬૪
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
તો સર્વે પણ જીવો પોતાના ઔદિયકભાવને લીધે અને સર્વે પણ પુદ્ગલો પોતાના પારિણામિકભાવને લીધે શુભ કે અશુભરૂપે પરિણામ પામે તો પણ શુભભાવને જોઈને રાગભાવે અને અશુભભાવને જોઈને દ્વેષભાવે પરિણામ ન પામવું પણ તટસ્થ રહેવું તેને
નિશ્ચયનયથી માધ્યસ્થ કહેવાય છે.
તે માધ્યસ્થ નામાદિ ભેદે ચાર પ્રકારનું છે. ત્યાં નામમાધ્યસ્થ અને સ્થાપનામાધ્યસ્થ સુખે સમજાય તેવાં છે, જે આત્મા ઉપયોગ વિના મધ્યસ્થ રહે અથવા સાધ્ય-સાધનભાવથી શૂન્ય એવી મધ્યસ્થતા તે દ્રવ્ય-મધ્યસ્થાવસ્થા જાણવી. રાગ-દ્વેષ ન કરવાથી અને તટસ્થ રહેવાથી નવાં કર્મો બંધાતાં નથી અને જુનાં કર્મો તુટી જાય છે. આ પ્રમાણેનું સાધ્ય સમજીને તેને સાધવા માટે બુદ્ધિના ઉપયોગપૂર્વક તટસ્થતા રાખવી જોઈએ. પણ આવા પ્રકારના ઉપયોગ વિના તથા સાધ્ય-સાધનના ભાવને સમજ્યા વિના ઓઘે ઓઘે જે મધ્યસ્થતા રખાય તે દ્રવ્ય-મધ્યસ્થતા જાણવી. તથા મુનિમહારાજની તત્ત્વજ્ઞાનની પરિણતિપૂર્વકની આત્મહિતને સમજીને આશ્રવને રોકવા માટે અને સંવર-નિર્જરાની પ્રાપ્તિ અર્થે ઉપયોગપૂર્વકની સાધ્યસાધનના દાવ સાથેની જે મધ્યસ્થતા તે ભાવ-મધ્યસ્થતા જાણવી.
હવે નયોથી મધ્યસ્થતા સમજાવાય છે. જે દ્રવ્યમધ્યસ્થતા છે તે ભાવમધ્યસ્થતાનો હેતુ હોવાથી પ્રથમના ચાર નયોની અપેક્ષાએ દ્રવ્યમધ્યસ્થતા એ મધ્યસ્થતા જાણવી અને પાછલા ત્રણ નયો ભાવમધ્યસ્થતા એ જ મધ્યસ્થતા છે એમ માને છે. કારણ કે તે શુદ્ધ નયો હોવાથી અક્ષેપકાલે (કાલના વિલંબ વિના) ફળ આપનાર મધ્યસ્થતાને જ પ્રધાન કરે છે તેમાં પણ ૬ થી ૧૨ ગુણસ્થાનકો એ સાધનાવસ્થાનાં ગુણસ્થાનકો છે અને ૧૩, ૧૪ ગુણસ્થાનકો એ સિદ્ધાવસ્થાનાં ગુણસ્થાનકો છે. તેથી ૬ થી ૧૨ ગુણસ્થાનકોમાં વર્તતા જીવો સાધનાના કાલમાં વર્તનારા કહેવાય છે તેથી ત્યાં સાધનાત્મક મધ્યસ્થતા હોય છે અને ૧૩૧૪ ગુણસ્થાનકોમાં વીતરાગ પરમાત્માને સુખી-દુઃખી, ધર્મી-અધર્મી, પાપી-પુણ્યવાન એમ સર્વ જીવદ્રવ્ય ઉપર અને સર્વ પુદ્ગલદ્રવ્ય ઉપર ક્યાંય પણ રાગ ન કરવો અને ક્યાંય દ્વેષ ન કરવો એવા સ્વરૂપવાળી જે મધ્યસ્થતા હોય છે તે સિદ્ધ સ્વરૂપવાળી મધ્યસ્થતા જાણવી.
વીતરાગ પરમાત્મામાં આવેલી અ-રક્તદ્વિષ્ટતાના ભાવવાળી જે મધ્યસ્થતા છે તે જ
ઉત્સર્ગસ્વરૂપ છે (અંતિમ સાધ્યસ્વરૂપ છે, સર્વ શ્રેષ્ઠ છે) અને આ ઉત્સર્ગ-મધ્યસ્થતા એવંભૂતનયની અપેક્ષાવાળી છે. તે મધ્યસ્થતા જ હવે સમજાવાય છે.
स्थीयतामनुपालम्भं, मध्यस्थेनान्तरात्मना ।
कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ॥१॥