________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
૪૯૫
અનેક-ઘટવ્યક્તિસ્વરૂપ આ ઘટ હોય છે. આવા અર્થને ગ્રહણ કરનારો આ નય છે. વળી આ નય ઉપચારગ્રાહી પણ છે. તેથી ચિત્રમાં ચિતરેલા ઘટને, કાણા ઘટને તથા ખાલી ઘટને પણ ઘટ તરીકે સ્વીકારે છે. આમ વિશાળ દૃષ્ટિવાળો આ નય છે. તથા આ નૈગમનય આવા સ્વરૂપવાળા જીવને જીવ સમજે છે તે આ પ્રમાણે
લોકમાં પ્રસિદ્ધ એવી ચેતનાના (જ્ઞાનશક્તિના) વ્યાપારવાળો, મન-વચન-કાયાના યોગવ્યાપારવાળો, ગમનાગમનની ક્રિયાથી યુક્ત, શરીર પ્રમાણેના આકારવાળો, અસંખ્યપ્રદેશવાળો, ભિન્ન ભિન્ન અનેક સંસ્થાનવાળો, વિવિધ પ્રકારના રૂપવાળો, આહાર, નિહાર અને વિહારાદિ ક્રિયા કરવામાં સમર્થ, તથા નર, નારક અને અમરાદિ રૂપ ભિન્ન ભિન્ન પર્યાય પામનારો, અંશથી જ્ઞશરીર, ભવ્યશરીર વગેરે પર્યાયવાળો તથા અપર્યાપ્ત અને પર્યાપ્તાદિ પર્યાયવાળો આમ સમગ્રપણે અનંત-અનંત પર્યાયાદિ (પર્યાય અને ગુણો) વાળો જે પદાર્થવિશેષ તે જીવ કહેવાય છે. આ નૈગમનય આવા સ્વરૂપવાળા જીવને જીવ
માને છે. હવે સંગ્રહનયની માન્યતા કેવી હોય છે ? તે સમજાવે છે.
सङ्ग्रह एकस्मिन् घटे बहुषु वा घटेषु नामस्थापनाद्रव्यलक्षणेषु अतीतानागतवर्तमानेषु पर्यायेषु सामान्यघटसम्प्रत्ययः घटज्ञानम् । तथा जीवे जीवेषु वा नामादिनिक्षेपरूपेषु त्रिकालपर्यायेषु सामान्यजीवसत्ताग्राहकज्ञानविशेषः, सूक्ष्मनिगोदात् सिद्धत्वपर्यन्तेषु तच्छरीरेषु च ज्ञशरीरभव्यशरीररूपेषु च तुल्यजीवज्ञानविशेष - सङ्ग्रहाध्यवसायः, आधिक्येनावसीयन्ते परिच्छिद्यन्ते ( पदार्था: ) ततो येन सोऽध्यवसायः ।
ઘટ પદાર્થને વિષે અને જીવ નામના પદાર્થને વિષે સંગ્રહનય આ પ્રમાણે માને છે. એક ઘટ હોય કે બહુ ઘટ હોય પણ સર્વ ઘટને આ નય “ઘટ” સામાન્યપણે સ્વીકારે છે. તથા નામઘટ, સ્થાપનાઘટ અને દ્રવ્યઘટને વિષે પણ આ નય “ઘટ’’ સામાન્યને સ્વીકારે છે. તથા અતીતઘટ, અનાગતઘટ અને વર્તમાનઘટ એમ અનેક પર્યાયને પામેલા સકલ ઘટને “ઘટ’” સામાન્યપણે આ નય સ્વીકારે છે તથા સોનાના, રૂપાના, તાંબાના, માટીના કે અન્ય કોઈ જાતિના ઘટને પણ સામાન્ય ઘટપણે આ નય સ્વીકારે છે. ટુંકાણમાં આ નયની દૃષ્ટિ સંગ્રહ કરવા તરફ-એકીકરણ કરવા તરફ વધારે દોડે છે. પૃથક્કરણ તરફ આ નય ઉપેક્ષા સેવે છે.
એવી જ રીતે જીવને વિષે પણ જાણવું. એક જીવ હોય કે અનેક જીવ હોય, તેવી જ રીતે નામાદિ કોઈપણ નિક્ષેપાવાળો જીવ હોય, ત્રણે કાલના ભિન્ન ભિન્ન અનેક પર્યાય