________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૩૫ બહિરાત્મામાં, અંતરાત્મામાં અને પરમાત્મામાં એમ સર્વે પણ આત્મામાં “પરમાત્મપણાની સત્તા” એકસરખી સમાન છે. કોઈનામાં પણ હીનાધિક નથી. ફક્ત પ્રથમના બે પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા તિરોભૂત છે, આવિર્ભત નથી અને ત્રીજા પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા આવિર્ભત છે. માત્ર આટલો જ તફાવત છે. હકીકતથી તો સર્વે પણ આત્મામાં પરમાત્મતા સત્તાગત છે અને તે પણ સમાન છે. માત્ર પુગલાદિ અન્ય દ્રવ્યોથી આ આત્માને ભિન્ન સમજવાથી અને તેના કારણે મમતા-મૂછ-આસક્તિભાવ ત્યજવાથી આમ ભેદજ્ઞાન દ્વારા તે પરમાત્મતા પ્રાપ્ત કરવા લાયક છે. જો જીવ ભેદજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે તો પરમાત્મદશા મેળવી શકે તેમ છે.
રેહાત્મા = અહીં દેહ એટલે શરીર, આત્મા એટલે જીવ, આદિ શબ્દથી મન, વચન, કાયા, ધન, ઘર, અલંકારાદિ સર્વ પુદ્ગલદ્રવ્યો લેવાં. તે પદ્ગલિક પદાર્થોમાં “આ જ આત્મા છે”, “શરીરાદિ એ જ હું છું” આવો અવિવેક - અભેદપણાની બુદ્ધિ - એકમેકતાની બુદ્ધિ આ ભવમાં (સંસારમાં) સર્વકાલે મોહના ઉદયને લીધે અતિશય સુલભ છે. જ્યાં ત્યાં જ્યારે ત્યારે દેખો તો આ જીવને શરીરાદિ પુદ્ગલદ્રવ્યોમાં મારાપણાની બુદ્ધિ જ જોર કરતી હોય છે. એટલી બધી અભેદબુદ્ધિ થઈ ગઈ હોય છે કે શરીરાદિમાં જો કંઈ પણ અલ્પમાત્રાએ પણ મુશ્કેલી આવે તો ઊંઘ અને આહારગ્રહણ ઉડી જાય, શોકાતુર થઈ જાય, ગ્લાનિ વ્યાપી જાય. આર્ત-રૌદ્રધ્યાનમાં ગરકાવ થઈ જાય. અભેદબુદ્ધિના કારણે શરીરાદિની પ્રતિકૂળતાએ આ જીવ દુઃખી દુઃખી થઈ જાય.
પરંતુ તે શરીરાદિ પુગલદ્રવ્ય અને આત્મદ્રવ્યની વચ્ચેના ભેદજ્ઞાનવાળો એવો વિવેક = અર્થાત્ ભેદબુદ્ધિ કોટિ ભવોએ પણ અતિશય દુર્લભ છે. દુઃખે પ્રાપ્ત કરાય તેમ છે, શરીરાદિથી આત્માને ભિન્ન સમજી મોહત્યાગ થવો અતિશય દુષ્કર છે.
અનાદિકાલથી આત્મા અને શરીરાદિ એકમેક સ્વરૂપે-અભેદ બુદ્ધિરૂપે ગ્રહણ કરાયેલાં છે. આ રીતે અનાદિકાલથી એકમેકરૂપે ગ્રહણ કરાયેલા પરભાવવાળા આત્મા વડે પોતપોતાનાં લક્ષણોનો ભેદ છે એમ સમજીને ભેદજ્ઞાન થવારૂપ વિવેક થવો અતિશય દુષ્કર છે. અહીં ખંધકમુનિ, નમિરાજર્ષિ, કીર્તિધરરાજા અને સુકોશલ મુનિનાં દષ્ટાન્ત વિચારવાં. ખંધકમુનિની રાજપુરુષોએ જીવંત શરીરની ચામડી ઉતારી તો પણ મુનિશ્રી જરા પણ અરતિ કે ઉગ ન પામ્યા, નમિરાજર્ષિ “જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી” આવી સમજથી ઈન્દ્ર કરેલી પરીક્ષામાં પરાભવ ન પામ્યા. કીર્તિધરરાજા અને સુકોશલમુનિમાં બાલમુનિનું અને પોતાનું શરીર વિફરેલી વાઘણે ચિરી નાખ્યું તો પણ ભેદબુદ્ધિ હોવાથી અલ્પ પણ અરતિ, ઉદ્વેગ કે આર્ત-રૌદ્ર ધ્યાન ન થયું. આ છે ભેદજ્ઞાનનો પ્રભાવ.