________________
૪૩૦
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
શોધ કરે છે. તત્ત્વજ્ઞ ગુરુ મળવાથી તેવા તત્ત્વગુરુની સેવામાં આ જીવ જોડાય છે અને ગુરુજી પ્રસન્નભાવ રાખીને ભાવકરુણા કરવા પૂર્વક અતિશય મધુરપણે આવા પ્રકારના યોગ્ય જીવને શ્રુતજ્ઞાન આપે છે. ગુરુજી પાસેથી અત્યન્ત મધુરતાપૂર્વક પ્રાપ્ત થતા શાસ્ત્રપાઠોથી આ આત્મા શ્રુતજ્ઞાનનો અતિશય રસિક બને છે. શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાથી જીવ અને અજીવનો ભેદ સમજાવાથી સર્વ પ્રકારની વિભાવદશાથી ભિન્ન એવો પોતાનો આત્મા છે - આમ સમજીને શરીર, ધન, પરિવારાદિથી પોતાના આત્માને ભિન્ન જાણીને ભેદજ્ઞાની થાય છે. શરીરાદિ તમામ સાંસારિક સામગ્રી ઉપરના મોહનો ત્યાગી બને છે. અનુક્રમે તે મહાત્મા પોતાના આત્માથી અન્ય સઘળી પણ પરવસ્તુનો ત્યાગ કરતો છતો “સર્વથા પરભાવનો ત્યાગી' બને છે.
- આ રીતે આ આત્માની આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા તરફ વિકાસયાત્રા શરૂ થાય છે અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે છે. આ વિવેક (ભેદષ્ટિ) જ જીવને ઊર્ધ્વરોહણ કરાવનાર બને છે. પદ્ગલિક પદાર્થોની સાથે અભેદબુદ્ધિ સંસારમાં રખડાવનાર બને છે અને ભેદજ્ઞાન તારનાર બને છે. હવે વિવેક ઉપર સાત નયો સમજાવાય છે.
तत्राद्यनयत्रयेण लौकिकलोकोत्तरविवेकः, ऋजुसूत्रनयेन धर्मसाधनविवेकः, शब्दादिनयत्रयेण विभावविभजनक्षयोपशमसाधनोपयोगादिक्षायिकसाधकपरिणतिविवेकः यथाक्रममवगन्तव्यः । तत्रात्मनः कर्मसंयोगैकत्वं विवेचयन्नाह -
ત્યાં (સાત નય પૈકી) પ્રથમના ત્રણ નયની દૃષ્ટિએ લૌકિક અને લોકોત્તર જે વિવેક છે તેને વિવેક કહેવાય છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિએ ધર્મનાં સાધનોનો જે વિવેક છે, તે વિવેક કહેવાય છે અને અન્તિમ ત્રણ નયની અપેક્ષાએ વિભાવદશાથી આત્માનો વિભાગ કરવો, ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય એવો ધર્મસાધનામાં ઉપયોગાદિ રાખવો, અને ક્ષાયિકભાવની પ્રાપ્તિ કરાવે એવી નિર્મળ પરિણતિ રાખવી, તેને અનુક્રમે વિવેક કહેવાય છે. કંઈક વિશેષપણે નયો આ પ્રમાણે છે -
નૈગમનય :- નાના-મોટાનો વિવેક કરવો, માનનીય માણસને માન આપવું, લોકોને પ્રેમપૂર્વક મીઠાશથી બોલાવવા, લોકોની સાથે ઉચિત વ્યવહાર કરવો તે નૈગમનયથી વિવેક જાણવો.
સંગ્રહનય - બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ મનુષ્યોની સાથે તેમના જાતિગત ગુણદોષો જોઈને વ્યવહાર કરવો, એકેન્દ્રિયાદિ જીવોનો પણ હીનાધિક ચેતના પ્રમાણે હિંસા-અહિંસામાં વિવેક કરવો તે સંગ્રહનયથી વિવેક જાણવો.