________________
૪૦૨ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પરભાવમાં ન પ્રવર્તવું એ ભાવવાળા મૌનપણાની સર્વે પણ પ્રક્રિયા આત્માના ગુણોના પ્રકર્ષને પ્રાપ્ત કરવામાં પ્રવર્તવા રૂપ વીર્યપ્રવૃત્તિ હોય છે. તે સઘળી પણ ક્રિયા ચિન્મય છે. અર્થાત્ આત્મતત્ત્વના અનુભવની સાથે એકતા સ્વરૂપ હોય છે. આવા આત્માની બાહ્યભાવને રોકવા સ્વરૂપ અને આત્માના ગુણોનો આવિર્ભાવ કરવા સ્વરૂપ જે કોઈ પ્રવર્તનક્રિયા છે તે સઘળી ક્રિયા સમ્યજ્ઞાનથી યુક્ત હોય છે. કર્મોના આશ્રવો ન થાય તેવી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય તેવા પ્રકારની સમજણપૂર્વકની આત્માર્થ ભાવે આ પ્રક્રિયા હોય છે. જેમ દીપકની ઉત્કંપણ (ઊર્ધ્વદિશાગામી જ્યોતનું જવું) અને નિક્ષેપણ (અધોદિશા તરફ જ્યોતનું જવું), આદિ શબ્દથી જ્યોતનું આડુ અવળું અને તીર્ણ જવું એમ દીપકની જ્યોતની જે કોઈ ક્રિયા થાય છે તે સર્વે પણ દીપકની જ્યોતની ક્રિયા અવશ્ય પ્રકાશાત્મક જ હોય છે. એટલે કે જ્યોત ઉપર જાય કે નીચે જાય, તિર્જી જાય કે વાંકી જાય તો પણ જ્યાં જાય ત્યાં પ્રકાશ જ આપે ક્યારેય પણ અંધકાર ન આપે, તેવી જ રીતે યોગી મહાત્મા દ્વારા નમન, વંદન, પૂજન, ગુણસ્તુતિ ઈત્યાદિ આત્મગુણોના વિકાસાત્મક જે કોઈ ક્રિયા કરાય છે તે સર્વે પણ ધર્મક્રિયા આત્મતત્ત્વના જ્ઞાનનો પ્રકાશ આપનારી હોય છે. આત્મતત્ત્વનો આવિર્ભાવ કરનારી હોય છે. તે વિના અન્ય કોઈપણ કાર્યમાં આ મહાત્માની પ્રવૃત્તિ હોતી નથી. આવા પ્રકારના આત્મતત્ત્વના લક્ષ્યવાળા અને અનન્ય સ્વભાવવાળા યોગી મહાત્મા પુરુષનું પરભાવમાં ન પ્રવર્તવા રૂપ જે મૌન છે તે જ સર્વોત્તમ મૌન છે.
પરભાવદશામાં વ્યાપકપણે પ્રવર્તવા વાળી જે જ્ઞાન-ચેતના છે અને તેનાથી યુક્ત એવો પરભાવમાં વપરાતો જે વીર્યગુણ છે. આમ આ બન્ને આત્મગુણો હોવા છતાં પણ પરભાવદશાથી યુક્ત હોય તો આશ્રવહેતુ બને છે. તે માટે પરભાવમાં વ્યાપકપણે વર્તતી એવી ચેતના અને એવા વીર્યગુણથી રહિત જે મહાપુરુષ છે તેઓની ચેતનાનું અને વીર્યગુણનું પરભાવમાં ન પ્રવર્તવું એ જ અનુપમ શ્રેષ્ઠ મૌન છે. તે માટે આત્માર્થી મુમુક્ષુ જીવે આવું મૌન કરવું જોઈએ. વિષય-કષાયોની પરિણતિથી આત્માને અટકાવવો જોઈએ, પરજીવદ્રવ્ય પ્રત્યે અને પરપુદ્ગલદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષ-સ્પૃહા-મમતા ન કરવી, વિભાવદશામાં ન જોડાવું, સ્વભાવદશામાં જ રમવું. આત્મતત્ત્વની સાથે જ એકતા કરવી આ જ સૌથી શ્રેષ્ઠ મૌન છે.
માત્ર બોલવાની ક્રિયા ન કરવી” તે મૌન એટલું કિંમતી નથી. કારણ કે તે એકેન્દ્રિયાદિના ભવમાં પણ સુલભ છે તથા પરદ્રવ્યની સ્પૃહા જો ન જાય તો તેવા મૌનથી આત્મકલ્યાણ કેમ થાય ? માટે વિભાવદશામાં ન પ્રવર્તવું તે જ મૌન ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. તેનો જ વધારે અભ્યાસ કરવો.