________________
૩૮૬
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
अत एव श्रुतेन केवलात्मज्ञानं तदभेदज्ञानमुत्सर्गज्ञानं च श्रुताक्षरावलम्बि सर्वद्रव्योपयोगं भेदज्ञानं सर्वाक्षरसम्पन्नश्च यावद् द्रव्यशुभावलम्बी तावद् भेदज्ञानी । उक्तञ्च समयप्राभृते ।
વિવેચન :- જે હાલ દ્રવ્યચારિત્ર હોય પણ તે દ્રવ્ય ચારિત્ર ભવિષ્યમાં ભાવચારિત્રનું કારણ બને તેવું હોય અર્થાત્ ભાવચારિત્રની પૂર્વ ભૂમિકારૂપ હોય તે ભલે દ્રવ્યચારિત્ર હોય તો પણ આત્મકલ્યાણકારી હોવાથી પૂજનીય, વંદનીય છે. પરંતુ જે દ્રવ્યચારિત્ર ભવિષ્યમાં પણ ભાવચારિત્રનું કારણ ન બને તેવું હોય તેને એકાન્તદ્રવ્યચારિત્ર કહેવાય છે. અર્થાત્ આત્મા નિત્ય જ છે, અથવા આત્મા અનિત્ય જ છે. આત્મા દેહથી ભિન્ન જ છે અથવા આત્મા દેહથી અભિન્ન જ છે. અથવા આત્મા સર્વવ્યાપી જ છે ઈત્યાદિ મિથ્યા માન્યતાઓ પૂર્વકનું જે જ્ઞાન અને મિથ્યા માન્યતાઓ પૂર્વકની શ્રદ્ધારૂપ દર્શન જેમાં વર્તે છે તેવા મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનથી યુક્ત એવા એકાન્તદ્રવ્ય આચરણવાળા ચારિત્રથી આત્મકલ્યાણ થતું નથી. તે દ્રવ્યચારિત્રવાળામાં રહેલું જે જ્ઞાન તે જ્ઞાન નથી અને તેમાં રહેલું જે દર્શન તે દર્શન નથી.
સારાંશ કે એકાન્ત દ્રવ્યઆચરણવાળા ચારિત્રમાં રહેલા જે જ્ઞાનથી અને જે દર્શનથી (૧) શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ પ્રાપ્ત થતું નથી. અહીં શુદ્ધ એટલે પરભાવદશાથી રહિત એવો જે આત્મસ્વભાવ (આત્મસ્વરૂપ), તેની આચરણા-તેની સાથે એકાગ્રતા-તેની સાથે તન્મયતા રૂપ ગુણ આવતો નથી. (૨) જે મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શન યુક્ત દ્રવ્યચારિત્ર વડે શુદ્ધ એવા આત્મસ્વભાવનો લાભ એટલે કે “પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. (૩) જે મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનવાળા દ્રવ્યચારિત્ર વડે રાગ-દ્વેષ આદિ દોષોની નિવૃત્તિ થતી નથી. તે જ્ઞાન એ જ્ઞાન નથી અને તે દર્શન તે સાચું દર્શન નથી. કહેવાનો સાર એ છે કે જે મિથ્યાજ્ઞાનથી અને મિથ્યાદર્શનથી યુક્ત એવા એકાન્ત દ્રવ્યચારિત્રથી (૧) શુદ્ધ સ્વભાવની સાથે એકતા (૨) પરમાત્મપદની પ્રાપ્તિ અને (૩) રાગાદિ દોષોની નિવૃત્તિ થતી નથી. તેથી તે સર્વ પણ આચરણ બાલચેષ્ટા તુલ્ય છે. કર્મોની નિર્જરા કરાવનારું નથી.
શુદ્ધ આત્મ સ્વરૂપના આલંબન વિના અવેધ સંવેદ્યાત્મક જે જ્ઞાન છે તે ખરેખર જ્ઞાન જ નથી. તથા “સકલ પરભાવના સંગ રૂપ જે ઉપાધિ છે તે ઉપાધિથી જન્ય આત્માના અશુદ્ધ અધ્યવસાયોથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, તાત્ત્વિક રીતે હું અમૂર્ત છું, હું જ્ઞાનમય છું, આનન્દમય છું, આત્માના સહજ સ્વભાવવાળો છું” આવા પ્રકારની શુદ્ધ નિર્ણયાત્મક શ્રદ્ધા વિનાનું જે દર્શન છે તે દર્શન જ નથી.