________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૭ તેની ઈચ્છા કરવી તે જ મોટું દુઃખ છે. જેમ પારકાના ધનને લેવાની ઈચ્છા કરવી, પારકાની પત્નીની સાથે ભોગની ઈચ્છા કરવી, પારકાના ઘરમાં રહેવાની ઈચ્છા કરવી, પારકાના દાગીના ધારણ કરવાની તમન્ના કરવી તે જેમ દુઃખદાયી છે તેમ પરપદાર્થની સ્પૃહા એ જ મોટું દુઃખ છે અને નિઃસ્પૃહતા રાખવી, વાચ્છા ન કરવી, કોઈપણ પ્રકારના પરદ્રવ્યનો મોહ ન કરવો તે જ મોટું સુખ છે, મહાન આનંદ છે. જેમ ગામના કે સગાંવહાલાંના માગીને લાવેલા દાગીના પહેરીએ અને પોતાના વસાવેલા દાગીના પહેરીએ તો પારકાના દાગીનામાં ખોવાઈ જવાની, ભાંગી-તુટી જવાની, લુંટાઈ જવાની અને લોકોનાં મેણાં સાંભળવાના ભયથી દુઃખ જ છે અને પોતાના દાગીના પહેરવામાં ઉપરોક્ત કોઈ ચિંતા ન હોવાથી પોતાના મનનો આનંદ સમાતો નથી. તેમ નિઃસ્પૃહતામાં જ મોટું સુખ છે.
મહાત્મા પુરુષોએ પૂર્વરચિત શાસ્ત્રોમાં અતિશય સંક્ષેપથી દુઃખ અને સુખનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે કે “પરસ્પૃહા” એ દુઃખ અને “નિઃસ્પૃહતા” એ સુખ. આ કારણથી “પરાશા” પરદ્રવ્યની જે આશા તે જ મોટું દુઃખ છે. તે કારણથી નિર્વિકારી અખંડ સમ્યજ્ઞાનના આનંદવાળા તથા સ્વાભાવિક આત્મધર્મોનો (ગુણોનો) અનુભવ કરનારા પરમાર્થ તત્ત્વના અભિલાષુક એવા મહાત્માને પરભાવની અભિલાષા કરવી એ જ મોટું દુઃખ દેખાય છે, તો પછી તેવા પ્રકારના પરદ્રવ્યની આશા તો કેમ જ રખાય ? તે તો દુઃખ નહીં પણ મહાદુઃખ કહેવાય. ઉત્તમ આત્માઓના આવા વિચારો, આવી વાણી અને આવું વર્તન હોય છે.
अस्यात्मनः स्वपरविवेकनिगृहीतपरभावाविर्भावितात्मानन्तानन्दस्य निःस्पृहत्वं धर्मः, तदास्वादनेन सुखमिति । अत एव स्पृहा त्याज्या, स्पृहा हि स्वसामर्थ्यशून्यस्य भवति । अयं तु पूर्णानन्दाखिलज्ञेयज्ञानवान् परमः पदार्थः सर्वपदार्थावगमस्वभावः शुद्धात्मीयानन्दभोगी । तस्य अनादिस्वतत्त्वानुभवभ्रष्टत्वेन परस्पृहां गतस्यापि साम्प्रतमव्याबाधात्मभावभावनया टङ्कोत्कीर्णन्यायेन अवगतात्मस्वरूपस्य स्पृहा-पराशा न भवतीत्युपदेशः ॥८॥
સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? સ્વભાવદશા કોને કહેવાય? અને વિભાવદશા કોને કહેવાય ? સ્વ-સ્વરૂપ શું? અને પર-સ્વરૂપ શું? ઈત્યાદિ ભોગોનો સમ્યજ્ઞાન દ્વારા યથાર્થ ભેદ કરીને પરભાવ દશાનો નિગ્રહ (ત્યાગ) કરવા પૂર્વક પ્રગટ કર્યો છે આત્માના સ્વરૂપનો અનંત આનંદ જેણે એવા આ આત્માનો નિઃસ્પૃહતા એ ધર્મ છે અને તે નિઃસ્પૃહતાનો સ્વાદ માણવો તે જ સાચું સુખ છે. સ્વ-પરનો વિવેક કરવા પૂર્વક પરભાવને દબાવીને સ્વભાવ
સ્વરૂપે પ્રગટ કરીને તેનો આનંદ માણનારા આત્માને જ આ નિઃસ્પૃહતા આવે છે. તેને જ નિઃસ્પૃહતાનું સુખ સમજાય છે માટે નિઃસ્પૃહ થવું એ જ સાચું સુખ છે.