________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૫૧
(૩) ચિત્ર-વિચિત્ર એવા અનેક પ્રકારના સગપણવાળા પોતાના પરિવારજનનો ત્યાગ કરે છે. સારી રીતે આત્મતત્ત્વની સાધના કરી શકે એટલા માટે કુટુંબના મોહનો ત્યાગ કરવા પૂર્વક કુટુંબનો પણ ત્યાગ કરે છે.
(૪) પૂર્વકાળમાં સંસારી અવસ્થામાં કરોડોનું દાન આપનારા હોવા છતાં પણ તેનું માન અને મમત્વ ત્યજીને કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખતા નથી અને ભ્રમરવૃત્તિથી ઘર-ઘરથી અલ્પમાત્રાએ ગોચરી પ્રાપ્ત કરે છે કે જેથી કોઈને પણ રાગ-દ્વેષનું કે મમત્વાદિ ભાવનું કારણ ન બને.. આટલું મોટુ દાન કરનારા પણ સાધુ જીવનમાં ગોચરીએ ચાલવામાં લજ્જા અનુભવતા નથી.
(૫) માખણ અને પુષ્પ જેવી કોમળ શય્યામાં ઉંઘનારા હોવા છતાં પણ રાગના હેતુભૂત એવી કોમળતાનો ત્યાગ કરીને વાત = ઘસાયેલા-ખાડા ટેકરાવાળા પત્થરોની શિલાવાળી ભૂમિ ઉપર શયન કરે છે. કોમલતાનો અને સુખશેલીયાપણાનો રાગ ત્યજે છે.
(૬) માત્ર એક આત્મતત્ત્વનો જે સહજ શુદ્ધ સ્વભાવ તથા અમૂર્ત ગુણોનો જે આનંદ, તેની જ લીલામાં (તેના જ અનુભવમાં) લીન બનેલા આવા મહાત્મા પુરુષો સમ્યજ્ઞાન અને સમ્યક્રિયાનો નિરંતર અભ્યાસ કરવા દ્વારા નિરાવરણ, આત્યન્તિક (પરિપૂર્ણ), ઐકાન્તિક (અનંતકાળ રહેનારું), નિર્દેન્દ, નિરામય અને અવિનાશી એવું આત્માનું સિદ્ધ દશાવાળું સ્વરૂપ સાધે છે. જે આત્મસ્વરૂપમાં હવે કર્મોનું કોઈ આવરણ નથી તે નિરાવરણ, પરિપૂર્ણ સ્વરૂપ તે આત્યન્તિક, જે પ્રગટ થયેલું સ્વરૂપ ક્યારેય ચાલ્યું જવાનું નથી તે ઐકાન્તિક, જે આત્મસ્વરૂપ પ્રગટ થયું છે તેમાં અલ્પમાત્રાએ પણ વિભાવદશા કે દુઃખ આદિ દ્વન્દ્વ નથી તે નિર્દેન્દ્ર. જે શુદ્ધ આત્મસ્વરૂપમાં કોઈ બાહ્ય કે અભ્યન્તર (શારીરિક કે મોહના વિકારાત્મક) રોગો નથી તે નિરામય. જે ક્યારેય વિનાશ થવાનું નથી તે અવિનાશી આવા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપને આવા મહાત્મા પુરુષો જ્ઞાન અને ક્રિયા દ્વારા પ્રગટ કરે છે.
આવા પ્રકારના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની સાધનામાં જે જે વીરપુરુષો ઉદ્યમશીલ બન્યા છે તે ભાગ્યશાળી પૂજ્ય પુરુષોને અમારા નમસ્કાર હોજો. ૮
અગિયારમું નિર્લેપાષ્ટક સમાપ્ત