________________
૩૨૪ નિર્લેપાષ્ટક- ૧૧
જ્ઞાનસાર વિવેચન :- આ સંસાર કાજળની કોટડી જેવો છે. જેમ કાજળથી ભરેલી કોટડીમાં જ્યાં જ્યાં હાથ અથવા શરીરનો કોઈપણ ભાગ સ્પર્શે ત્યાં ત્યાં તે તે ભાગ કાળો થાય થાય અને થાય જ, તેમ આ સંસાર રાગ-દ્વેષ-મોહાદિ અઢારે અઢાર પાપસ્થાનક સેવવા રૂપી વિભાવદશાથી ભરેલો છે તથા તે પાપસ્થાનક સેવવામાં નિમિત્તભૂત બને એવાં ધન, સ્વજન અને આદિ શબ્દથી ઘર, સોનું, રૂપું, નોકર-ચાકર વગેરે નિમિત્તોના ભંડારતુલ્ય આ સંસાર છે. આ સંસારમાં ધન-સ્વજનાદિ નિમિત્તોને જ્યાં જ્યાં સ્પર્શે ત્યાં ત્યાં રાગ-દ્વેષ-મોહાદિ થાય થાય અને થાય છે. તેથી કાજળની કોટડીની ઉપમા બરાબર ઘટે છે.
આવા પ્રકારના રાગાદિ કષાયો કરાવે અને કર્મોથી આત્માને લેપાવે તેવા આ સંસારમાં વસતા સર્વે પણ લોકો સ્વાર્થસજ્જ છે. “અહંકાર અને મમકાર = હું અને મારું” આ શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી તો પણ મોહરૂપી મદિરાના પાનથી ભાન ભૂલેલો આ આત્મા તેને પોતાનું માને છે - આ મોટો બુદ્ધિભ્રમ છે. તે કારણે ભ્રમમાત્રથી મારાપણું કરાયું છે જ્યાં એવો અહંકાર અને મમકારરૂપી જે અર્થ (જે પોતાનું પ્રયોજન) છે તે સ્વાર્થ, તે સ્વાર્થમાં જ સાવધાન એટલે કે નિરંતર હું અને આ મારું, આ મારું આવા મોહના વિચારો-વાણી અને વર્તનમાં જ વર્તનારા સર્વે પણ લોકો કર્મોથી લેપાય છે.
રાગ-દ્વેષ અને કષાયો રૂપી ભાવકર્મોની આત્મામાં ઉત્પત્તિ થવાથી પોતાના આત્મામાં પ્રગટ થયેલા ક્ષયોપશમભાવના જ્ઞાન-દર્શન અને વીર્ય આદિ સમસ્ત ગુણો પરદ્રવ્યને (પદ્ગલિક ભાવોને) અનુસરનારા થાય છે. બુદ્ધિ અને શક્તિ સંસારના સુખ-દુઃખના ભાવોમાં જ આ આત્મા જોડે છે. નિરંતર પોતાની બુદ્ધિ અને શક્તિનો તેમાં જ ઉપયોગ કરે છે. આવા પ્રકારની આ મોહદશા (અજ્ઞાનતા-વિપરીત બુદ્ધિ) આત્માના સત્તાગત અનંત ગુણોની આવારક હોવાથી આ સમસ્ત જીવો આવા પ્રકારની મોહદશાના કારણે ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મ વડે નિરંતર લેપાય છે, બંધાય છે.
રાગાદિ કષાયો કરવા તે ભાવકર્મ, તેનાથી બંધાતા જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મ તે દ્રવ્યકર્મ અને રાગાદિ થવામાં નિમિત્તભૂત બાહ્ય પદાર્થો ધન-સ્વજનાદિ તે નોકર્મ. સ્વાર્થસજ્જ એવા સમસ્ત લોકો આ સંસારમાં આ ત્રણે પ્રકારના કર્મો વડે નિરંતર લેપાય છે. કારણ કે સંસારમાં જ્યાં જ્યાં પગ મુકો ત્યાં ત્યાં હું અને મારું જ દેખાય છે. તેનાથી રાગાદિ થાય છે. તેનાથી બોલાચાલી, ઝઘડા, ક્લેશ, મારામારી અને હિંસા એમ અઢારે પાપસ્થાનકો થાય છે. આથી જ આ સંસાર કાજળની કોટડી સમાન કહેવાય છે. તેમાં પડેલો આત્મા કર્મોથી લેપાય લેપાય અને લેપાય જ છે. ફક્ત જ્ઞાનસિદ્ધ આત્મા (તત્ત્વજ્ઞાની આત્મા) કર્મોથી લપાતો નથી.