________________
૩૧૮ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર અનંતગુણોને પામેલા અરિહંત પરમાત્માની સ્તુતિ કરે છે, પ્રગટ ગુણોવાળા પરમાત્માને પૂજે છે, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા પણ સામાયિક, પૌધષોપવાસ આદિ વ્રત પાલન કરવા દ્વારા આત્માના ગુણોના અનુભવ રૂપ લવના આસ્વાદ માટે જ એકાન્તમાં (ઘર છોડીને ઉપાશ્રયાદિ એકાન્ત સ્થાનોમાં) વસે છે. અને જે મુનિ પુરુષો છે તે આત્મગુણોના અનુભવાત્મક તૃપ્તિ મેળવવા માટે જ પ્રાણાતિપાત-મૃષાવાદ આદિ પાંચ આશ્રવોને ત્યજે છે. તે પાંચ આશ્રવોના નાશ માટે (ભૂતકાળમાં સેવેલા પાંચ આશ્રવોથી બંધાયેલા કર્મોનો નાશ કરવા માટે) ભયંકર એવી ગ્રીષ્મઋતુથી તપેલી શિલાના તાપની આતાપના લે છે. શિશિરઋતુમાં હિમ જેવા અત્યન્ત શીતળ ચંદ્રમાનાં કિરણોના અભિઘાતથી (સ્પર્શથી) ક્ષોભ પામવા છતાં વસ્ત્ર વિનાના થઈને વનમાં વસે છે. નિરંતર આગમશાસ્ત્રોના સમૂહનો અભ્યાસ કરે છે. ક્ષમા, માર્દવતા, આર્જવતા વગેરે આત્મધર્મોના ચિંતન દ્વારા આત્માની ભાવના ભાવે છે. સુક્ષ્માતિસુક્ષ્મ તત્ત્વજ્ઞાન મેળવવા દ્વારા ગુણોની શ્રેણીના શિખર ઉપર ચઢે છે.
આત્મતત્ત્વની એકતાનો વિચાર કરે છે. આત્મતત્ત્વની ચિંતવનામાં સંપૂર્ણ સમાધિ રહે તે માટે પ્રાણાયામ વગેરેના પ્રયાસો આચરે છે તથા જિનકલ્પાદિ આચારોની તુલ્ય આચારોનું સેવન કરે છે. માટે પોતાના સ્વભાવના અનુભવથી થનારી જે તૃપ્તિ છે તે તૃપ્તિનો સર્વ જીવોએ અભ્યાસ કરવો જોઈએ. આ જ તૃપ્તિ મેળવવા આત્માર્થી જીવોએ લક્ષ્ય રાખવું જોઈએ. આ જ તૃપ્તિ સાચી તૃપ્તિ છે અને આત્માનું કલ્યાણ કરનારી છે.
તૃયષ્ટક સમાપ્ત