________________
૨૯
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧
કાર્યના કંઈક દૂર એવા કારણમાં પણ કાર્યનો આરોપ કરીને કાર્ય સ્વીકારનાર છે. જેમ તૃણમાં પણ ઘીની શક્તિ છે. તો જ કાલે કાલે ઘી પ્રગટ થાય છે. તેમ અર્ધપુદ્ગલપરાવર્તનમાં આવેલો જીવ જ કાલે કાલે સિદ્ધિપદની પ્રાપ્તિરૂપ કાર્યને કરનારો છે.
(૨) સંગ્રહનયથી - સર્વે જીવો પૂર્ણ છે કારણ કે સંગ્રહનય સદંશગ્રાહી છે અને નિગોદ-નરક આદિ સમસ્ત જીવોમાં સિદ્ધપરમાત્માની સમાન અનંત અનંત ગુણોની પૂર્ણતા સત્તાથી રહેલી છે. માટે સર્વે પણ જીવો સંગ્રહનયથી પૂર્ણ છે.
(૩) વ્યવહારનયથી - સિદ્ધપદમાં રહેલ ગુણોની પૂર્ણતાને પ્રાપ્ત કરવાના અભ્યાસવાળો (ટેવ પાડતો) જીવ, જેમકે દેશવિરત-સર્વવિરત-ત્યાગ-તપ આદિ કરવા દ્વારા અભ્યાસવાળો-પ્રવૃત્તિશીલ જે જીવ તે પૂર્ણ. સાધક અવસ્થાવાળો આત્મા.
(૪) ઋજુત્રનયથી - પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવાની માનસિક તમન્નાવાળો જીવ, પૂર્ણસ્વરૂપના આનંદની પ્રાપ્તિના વિકલ્પવાળો જે જીવ તે પૂર્ણ કહેવાય છે. ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે અને હાલ વર્તમાનકાલે જેને આવી પૂર્ણતા પ્રાપ્ત કરવાના મનોરથ જાગ્યા છે, ભોગદૃષ્ટિ દૂર થઈ છે અને તે પૂર્ણાનંદને મેળવવા સતત પ્રયત્નશીલ છે. તેને પૂર્ણ કહેવાય છે.
(૫) શબ્દનયથી - સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આદિ સાધક-આત્માના જે ગુણો છે તેના આનંદથી પૂર્ણ હોય તેને પૂર્ણ કહેવાય છે. કારણ કે માત્ર વિકલ્પ હોય પણ પ્રવૃત્તિ ન હોય તો શું કામનું ? તેથી આ નય વિકલ્પની સાથે પ્રવૃત્તિ હોવી જોઈએ તો જ તે સાચી પૂર્ણતા છે આમ સમજીને આત્મા પોતે તેવા પ્રકારની પૂર્ણતાના આનંદનો અનુભવી થાય તે પૂર્ણ કહેવાય છે.
(૬) સમભિરૂઢનયથી - પંચપરમેષ્ઠિમાંથી સિદ્ધપરમાત્મા વિના બાકીના અરિહંત પરમાત્મા-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ આ ચારે પદે બીરાજમાન મહાત્મા-પુરુષો પોતાના આત્મસ્વભાવના વાસ્તવિક સુખનો અંશે અંશે આસ્વાદન કરનારા હોવાથી અને સાંસારિક ભાવોથી ઉદ્વેગ પામેલા હોવાથી આંશિક તે પર્યાયમાં પ્રવર્તનારા છે માટે પૂર્ણ કહેવાય છે. (૭) એવંભૂતનયથી કોઈપણ જાતનું પ્રતિબંધકતત્ત્વભૂત કર્મ જેને બાકી નથી, સર્વથા નિરાવરણ થયેલા અને સંપૂર્ણપણે અનંતગુણોના આનંદથી તથા અવ્યાબાધ સુખના આનંદથી જેઓ પૂર્ણ છે એવા સિદ્ધપરમાત્માઓ પૂર્ણ કહેવાય છે. આ પ્રમાણે નોઆગમથી ભાવપૂર્ણતા સાત નયો વડે સમજાવી છે.
-