________________
૨૨
.વાચકપદપ્રદાન-શિષ્યપરંપરા-સ્વર્ગગમન
વિક્રમ સંવત ૧૮૧૨ માં શ્રીમદ્ દેવચંદ્રજી રાજનગર (અમદાવાદ)માં પધાર્યા, ત્યારે તેમના ગચ્છાધિપતિએ તેમને વાચકપદ અર્પણ કર્યું. શ્રીમદ્ દેવચંદ્રજી વાચકવર અમદાવાદમાં દોશીવાડાની પોળમાં ડહેલાના ઉપાશ્રયે બીરાજતા હતા. ત્યારે વાયુપ્રકોપથી વમનાદિ વ્યાધિ થતાં પોતાના શિષ્યોને બોલાવી હિતશિક્ષા આપી. શ્રી દેવચંદ્રના મુખ્ય બે શિષ્યો હતા. (૧) શ્રી મનરૂપજી અને (૨) તર્કશાસ્ત્રના અભ્યાસી શ્રી વિજયચંદ્રજી. તે બન્નેને બે બે શિષ્યો હતા.
મનરૂપજી
દેવચંદ્રજી
વિજયચંદ્રજી
વક્તેજી
રાયચંદજી
રૂપચંદજી
સભાચંદ્રજી
વિક્રમ સંવત ૧૮૧૨ ના ભાદરવા વદી અમાવાસ્યાની રાત્રે એક પ્રહર પૂર્ણ થતાં દશવૈકાલિક તથા ઉત્તરધ્યયન સૂત્ર વગેરે સૂત્રોનું શ્રવણ કરતાં કરતાં તથા શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં શ્રી દેવચંદ્રજીએ દેહનો ત્યાગ કર્યો. અને સર્વ શ્રાવકોએ મહોત્સવપૂર્વક તેમના મૃતદેહનો હરિપુરામાં ઘણું દ્રવ્ય ખરચીને અગ્નિસંસ્કાર કર્યો. સર્વે મહાજનોએ મળી તેમના દાહસ્થળે સ્તૂપ કરાવી તેમની ચરણપાદુકા ત્યાં સ્થાપન કરી જે આજે પણ જોવા મળે છે.
વિક્રમ સંવત ૧૭૪૩ માં તપાગચ્છીય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રી ડભોઈમાં સ્વર્ગવાસ પામ્યા. ત્યારબાદ ત્રણ વર્ષે ૧૭૪૬ માં શ્રી દેવચંદ્રજીનો જન્મ થયો. તેમની ૧૭૫૬ માં દીક્ષા થઈ અને ૧૮૧૨ માં સ્વર્ગવાસ પામ્યા. શ્રી દેવચંદ્રજી ખરતગચ્છના હોવા છતાં તપાગચ્છના શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી આદિને પૂજ્ય મહાપુરુષો ગણીને તેમના ગ્રન્થોનો વિશાળ અભ્યાસ કરતા હતા અને પોતાની ગ્રન્થરચનામાં ઠેર ઠેર તેમનાં અવતરણો તેઓશ્રી ટાંકતા હતા. જૈનેતર યોગસૂત્રકાર પતંજલિને પણ “મહાત્મા પુરુષ” કહીને ઉલ્લેખ્યા છે. વળી તપાગચ્છીય શ્રી ખીમાવિજયજીના શિષ્ય જિનવિજયજી આદિને પાટણમાં જઈને શ્રી વિશેષાવશ્યકભાષ્ય ભણાવ્યું છે. તે અંગેનો પાઠ આ પ્રમાણે છે –