________________
૧૭૪
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
તો જ્ઞાન તે પરની અપેક્ષા વિના આશ્ચર્યને કરનારું અર્થાત્ ચમત્કારને કરનારું છે. આ જ્ઞાન, દીપકની જેમ સૂર્ય-ચંદ્રની જેમ સ્વનો અને પરનો એમ બન્નેનો બોધ કરાવવાના સ્વભાવવાળું છે. આમ મનીષી-પુરુષો એટલે કે પંડિત પુરુષો કહે છે. આમ હોવાથી આ જ્ઞાન મૃત્યુને અટકાવનારું તથા સર્વ રોગ-શોકાદિમાંથી મુક્તિની પ્રાપ્તિના કારણભૂત રસાયનતુલ્ય છે. પરમાર્થથી સ્વ-પર પદાર્થોનું અવલોકન કરાવવામાં આ જ્ઞાન ચમત્કાર સર્જનારું છે. આ રીતે આત્માસંબંધી જ્ઞાન પરમ ઉપાદેય છે. તથા આ જ્ઞાન “જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જણાવનારું” = યથાર્થ બોધ કરાવનારું તથા પરભાવદશાનો ત્યાગ કરાવનારું કહેલું છે.
આ પ્રમાણે હોવાથી અનાદિકાલથી પરભાવે પરિણામ પામેલા અને મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ આદિ ભાવોથી (પરદ્રવ્યમાં) મોહબ્ધ બનેલા જીવની પરભાવથી ઉત્પન્ન થયેલી શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપની બાધક એવી જે વિભાવદશા (પરને પોતાનું માનીને તેમાં અંજાવા)રૂપ પરિણતિ છે. તેને જ “સાચું તત્ત્વ છે આ જ મારું સ્વરૂપ છે” એમ માની લેનારો પરભાવથી મોહિત થયેલો આ જીવ સૂક્ષ્મનિગોદ આદિ ચૌદ જીવસ્થાનકોમાં ભટકે છે. સંસારમાં ૮૪ લાખ યોનિમાં જન્મ-મરણાદિ દુઃખોમાં રખડે છે.
૮૪ લાખ યોનિમાં ભટકનારો આ જ જીવ તત્ત્વજ્ઞાન રૂપી અમૃતથી જ્યારે પરિણત થાય છે ત્યારે મિથ્યાત્વ આદિ દોષોનો ત્યાગ કરીને સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની સાધના તથા આરાધનાના રાજમાર્ગ ઉપર આરૂઢ થયો છતો પોતાના જ શુદ્ધ સ્વરૂપના અપૂર્વ અનુભવ દ્વારા આનંદમગ્ન બન્યો છતો સર્વ દોષરહિત શુદ્ધ બુદ્ધ થાય છે. આ કારણથી આત્માસંબંધી અધ્યાત્મજ્ઞાન એ સાચે જ અમૃત છે. એ સાચે જ રસાયન છે. તેથી તેની પ્રાપ્તિ માટે જ સંસારી જીવે ઉદ્યમ કરવો જોઈએ. Iટ.
પંચમ જ્ઞાનાષ્ટક સમાપ્ત છે