________________
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
ભાવાર્થ આમ સમજાય છે કે “વસ્તુમાશ્ચર્યવાન્ મવેત્” આ અન્તિમ વાક્યમાં ? આવું પ્રશ્નાર્થચિહ્ન લેવું કે ન લેવું એમ દ્વિધા જણાય છે. મૂલ શ્લોકમાં ખાસ કોઈ પુસ્તકમાં કે પ્રતમાં પ્રશ્નાર્થચિહ્ન દેખાતું નથી, છતાં ટીકાકાર શ્રી દેવચંદ્રજી મહારાજશ્રીને કોઈ પ્રતમાં જણાયું હશે તેથી પ્રથમ પ્રશ્નાર્થચિહ્ન રાખીને અર્થ કરે છે અને પછીથી અથવા લખીને પ્રશ્નાર્થચિહ્ન વિના અર્થ કરે છે. પ્રથમ અર્થ આ પ્રમાણે છે -
૧૩૨
યોગીને યોગદશામાં જ સુખ લાગે છે તેને જ સુખરૂપે અનુભવે છે. આવા પ્રકારનું યોગદશાનું સુખ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આનંદ-આનંદ થાય છે, આશ્ચર્ય પામે છે અને પરાધીનતા વિના સ્વતંત્રપણે ગુણોના સુખનો આનંદ માણે છે. પરંતુ ભોગી જીવ ભોગસુખોની જ પ્રીતિવાળો છે. તેથી જેમ જેમ સાંસારિક ભોગસુખો પ્રાપ્ત થતાં જાય છે તેમ તેમ ગાડીબંગલા વગેરે જોઈને આશ્ચર્ય પામે છે, ચમત્કારને અનુભવે છે. તેની રહેણી-કરણી, બોલવાચાલવાની છટા બદલાઈ જાય છે. મુખના હાવભાવ અને રૂવાબ જુદી જ જાતના થઈ જાય છે. દુનિયાના લોકોને દબાવતો ચાલે છે, પરંતુ ભોગીના તે ભોગસુખો જોઈને યોગીને તેમાં શું આશ્ચર્ય થાય ? અર્થાત્ ન થાય. કારણ કે આ સુખો અનંતીવાર જીવ વડે પ્રાપ્ત કરાયાં
અને ચાલ્યાં ગયાં છે. સુખો ત્યાં ને ત્યાં જ મૂકીને આવ્યા છીએ. માટે તે કાયમી નથી, નાશવંત છે. સ્વાધીન નથી, પરાધીન છે. લોખંડની બેડી હોય કે સુવર્ણની બેડી હોય તેમાં સુવર્ણ દેખીને શું આશ્ચર્ય પામવાનું ? આખર તો બન્ને બેડી જ હોવાથી બંધનતા તો તુલ્ય જ છે. ભોગી જે ગાડી-વાડી જોઈને મલકાય છે તેને જ જોઈને યોગીને ભોગી ઉપર ભાવદયા ઉપજે છે. ભોગી પુરુષ યોગીની સામે પોતાના બંગલાનું આશ્ચર્ય સાથે વર્ણન કરે છે કે મેં આ બંગલામાં આવી આવી સુવિધાઓ કરાવી છે. તે સાંભળીને યોગીપુરુષ “આ બધું આરોપિત સુખ એ સાચું સુખ છે” એમ કહેવાને માટે ભોગીની જેમ આશ્ચર્યવાન કેમ બને ? અર્થાત્ ન જ બને. કારણ કે તે યોગીપુરુષ સમજે છે કે આ ભોગી જીવ મોહાન્ધ બનેલો છે એટલે સુખ માને છે પણ વાસ્તવિક પરાધીનતા જ છે, દુઃખ જ છે. આ જીવ વધારે વધારે ફસાયો છે. હવે જલ્દી સંસારના ફંદામાંથી નહીં નીકળી શકે - એમ સમજીને ભાવદયા હૃદયમાં ચિંતવે છે. ભોગીજીવ જેને સુખ કહે છે તેને આવા યોગીપુરુષ સુખ કેમ કહે ? તને આવું અદ્ભુત ભૌતિક સુખ મળ્યું એમ તે મહાત્મા તેમની જીભે કેમ કહે ? તે સુખને સુખ છે એમ સાંભળવામાં પણ તેમને ભીંત ભૂલ્યાનો અનુભવ થતો હોય છે ત્યાં આવા સુખને જોઈને આશ્ચર્ય કેમ થાય ? આ સુખ તો ભવોભવમાં ભોગવેલું હોવાથી તેમાં નવાઈ શું છે ? એમ સમજીને આશ્ચર્ય થતું નથી. પ્રશ્નાર્થચિહ્ન લઈએ તો આ ભાવ નીકળે છે. હવે ટીકાકારશ્રી અથવા શબ્દ કહીને પ્રશ્નાર્થક ચિહ્ન વિનાના વાક્યથી બીજો અર્થ પોતે જ ટીકામાં જણાવે છે
-