________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૦૫
પાપસ્થાનકના કારણભૂત એવા પરદ્રવ્યોમાં પોતાને થયેલો જે મોહ તે અપ્રશસ્તમોહ છે. કોઈપણ પરપદાર્થ સ્ત્રી-પુત્ર-પતિ આદિ સચેતનપદાર્થ કે ઘટ-પટ આદિ અચેતનપદાર્થ ઉપર આ જીવને જો ઈષ્ટાનિષ્ટબુદ્ધિ થઈ, રાગ-દ્વેષ આદિ થયા, તો તેનો સંયોગ-વિયોગ કરવામાં, તેનું સંરક્ષણ અને વિનાશ કરવામાં આ જીવ હિંસા-જુઠ-ચોરી આદિ અઢારે પાપસ્થાનકો સેવે છે. પાપસ્થાનકો સેવીને પણ રાગવાળા પદાર્થની પ્રાપ્તિ અને દ્વેષવાળા પદાર્થની અપ્રાપ્તિ આદિ કરીને જ જંપે છે. એટલે પરદ્રવ્યો પ્રત્યેનો મોહોદય આ જીવને સમસ્ત પાપસ્થાનકોનું સેવન કરાવવામાં કારણ બને છે. તેથી તે મોહોદય અપ્રશસ્ત છે. તથા ખોટા દેવ, ખોટા ગુરુ, અને ખોટા ધર્મને વિષે જે રાગ, તે પણ ખોટે રસ્તે ચઢાવનાર છે. ઘણાં ઘણાં પાપ કરાવનાર છે. ભવભ્રમણા વધારનાર છે માટે તે પણ અપ્રશસ્ત મોહોદય છે. જેટલો જેટલો અપ્રશસ્તમોહ છે તે સઘળો પણ ત્યાજ્ય છે.
તથા મોક્ષના માર્ગભૂત એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ ઈત્યાદિ આત્મગુણમય ધર્મની આરાધના આચરવામાં હેતુભૂત એવા સુદેવ-સુગુરુ અને સુધર્મ આદિને વિષે જે મોહોદય થાય અર્થાત્ ધર્મ ઉપકારક તત્ત્વો પ્રત્યે રાગ થાય તે પ્રશસ્ત મોહોદય જાણવો. તે બન્ને સ્થાનોમાં થતા મોહનો એટલે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત સ્થાનોમાં થતા મોહનો ત્યાગ કરવો તેને મોહત્યાગ કહેવાય છે. મોહનો ત્યાગ કરવો એટલે કે આત્મામાંથી પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બન્ને પ્રકારના મોહનું ઉત્સર્જન કરવું અર્થાત્ આત્મામાંથી મોહને સર્વથા ભિન્ન કરવો, આમ ત્યાગ શબ્દનો અર્થ ઉત્સર્જન અર્થાત્ ભિન્નીકરણ એવો અર્થ સમજવો.
અહીં જ્યાં જ્યાં અપ્રશસ્ત મોહ છે ત્યાં ત્યાં તે સઘળો પણ અપ્રશસ્ત મોહ ત્યાગ કરવા લાયક છે. આત્માની અશુદ્ધ પરિણતિનું જ કારણ છે. અપ્રશસ્ત મોહથી આ આત્મા અશુદ્ધ પરિણામવાળો બને છે. માટે તે સર્વથા ત્યાજ્ય જ છે. અને જે સુદેવ-સુગુરુ અને સુધર્મ પ્રત્યેનો મોહ છે કે જેને પ્રશસ્ત મોહ કહેવાય છે તે પ્રશસ્ત મોહ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક તત્ત્વની સાધના કરવા માટે પ્રાથમિક કક્ષામાં અસાધારણ કારણ છે. માટે શુદ્ધ એવા આ આત્મતત્ત્વની સંપૂર્ણપણે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એટલે કે પૂર્ણપ્રાપ્તિના પૂર્વકાલમાં કરવા લાયક છે. તો પણ પરમાર્થે તે અનુપાદેય જ છે. વ્યવહારથી અત્યાજ્ય છે અને નિશ્ચયથી અનુપાદેય છે. જેમ કુવામાં પડેલા માણસને બહાર નીકળે ત્યાં સુધી જ દોરડું પકડવા લાયક છે. બહાર નીકળ્યા પછી તે દોરડું ત્યજવા લાયક છે. વાસ્તવિકપણે તો આ પણ એક પ્રકારનું બંધન જ છે. માટે પરમાર્થે ત્યજવા લાયક છે, આદરવા લાયક નથી. એક ગામથી બીજે ગામ જવામાં ઘોડો અથવા ગાડી વગેરે સાધન છે માટે સામેના ગામની પ્રાપ્તિ