________________
પ્રસ્તાવના :
પપ્પા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ભારતની ભૂમિ એ મહાન આર્યભૂમિ છે. જે આર્યભૂમિ ઉપર અનેક સપુરુષો અને સતી સ્ત્રીઓ જન્મ્યા છે અને જન્મે છે. શ્રી તીર્થકર ભગવંતો, સામાન્ય કેવલીભગંવતો, ચૌદ પૂર્વધરો, ગીતાર્થ આચાર્ય મહારાજાઓ અને અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો વગેરે ઘણા મહાત્માઓ આ ભૂમિ ઉપર થયા છે અને થાય છે. આખા કુટુંબ સાથે સંયમ સ્વીકારતા હોય એવા ત્યાગી આત્માઓ આ ભૂમિ ઉપર જોવા મળે છે. ત્યાગ, તપ, વૈરાગ્ય અને અધ્યાત્મનો વારસો તો જાણે આ જ ભૂમિ ઉપર પ્રાપ્ત થયો છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને જાપાન આદિ અન્ય દેશો ભલે ભૌતિક રીતે સમૃદ્ધિશીલ હોય પણ આધ્યાત્મિકતામાં તો સર્વત્ર શૂન્યાગાર જ છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ તો આ જ દેશની ભૂમિના સંસ્કારથી જ થઈ છે અને થાય છે. આ ભૂમિએ ઘણા સંતો આપ્યા છે.
આ ભારતની ભૂમિ ઉપર ગુજરાત દેશમાં મહેસાણા પાસેના કનોડા ગામમાં લગભગ ત્રણસો નેવું વર્ષો પૂર્વે ગ્રન્થકારશ્રી યશોવિજયજી મ.શ્રીનો જન્મ થયો. જસવંત એવું નામકરણ થયું, વિક્રમ સંવત ૧૬૮૮ માં પાટણમાં દીક્ષા થઈ, યશોવિજયજી નામ રાખવામાં આવ્યું, સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો, અમદાવાદમાં શતાવધાન કરી શાસનશોભા વધારી, ધનજી સુરાના આગ્રહથી ન્યાયશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસ અર્થે ગુરુ મહારાજ શ્રી નયવિજયજીની સાથે કાશી તરફ વિહાર કર્યો, કાશીમાં અને આગ્રામાં બ્રાહ્મણ વિદ્વાનો પાસે ન્યાયશાસ્ત્રાદિનો સુંદર અભ્યાસ કર્યો, ત્યાંના બ્રાહ્મણ પંડિતો દ્વારા ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી પામ્યા. તથા બ્રાહ્મણ પંડિતોમાં ઘણું માન અને ગૌરવ મેળવ્યું.
ત્યારબાદ વિહારકરી રાજસ્થાન થઈને ગુજરાતમાં આવ્યા. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય રૂપે અનેક નાના-મોટા પ્રાકરણિક ગ્રન્થો બનાવ્યા. ગુજરાતી ભાષામાં પણ કાવ્યરૂપે ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, દ્રવ્યગુણ પર્યાયનો રાસ, અઢાર પાપસ્થાનકની સઝાય, આઠ દૃષ્ટિની સઝાય, સમ્યકત્વના ૬૭ બોલની સઝાય, અમૃતવેલની સઝાય વગેરે નાનાં-મોટાં અનેક અનુપમ અને અજોડ કાવ્યો બનાવ્યાં.
શુદ્ધ આત્મતત્ત્વનો યત્કિંચિત્ અનુભવ કરાવતો અને મોહના વિષને ઉતારવામાં ગાડિક મંત્ર સમાન “જ્ઞાનસાર” નામનો એક મહાન આધ્યાત્મિક ગ્રન્થ પણ બનાવ્યો. આ ગ્રન્થમાં શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનો સાર શું પ્રાપ્ત કરવો તે સમજાવાયું છે તથા આ ગ્રન્થના અભ્યાસથી અભ્યાસક જીવોમાં અધ્યાત્મદશાની પ્રાપ્તિ, સ્વભાવદશાની સન્મુખતા,