________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૪૫
ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો અને મનુષ્યોના સ્વામીઓના મુગટમાં રહેલ ચપળ કમળની શ્રેણિઓથી પૂજાયેલ, વળી નમસ્કાર કરનારા લોકોના મનોવાંછિત જેઓએ સારી રીતે પૂર્ણ કર્યા છે, એવા શ્રી જિનેશ્વર દેવોના ચરણોમાં હું ખૂબ નમસ્કાર કરું છું. (૨) આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાનમાં કારણે ગંભીર છે. લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે. જીવદયા સંબંધી સૂક્ષ્મ વિચારો રૂપ મોજાઓથી ભરપૂર હોવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે. ચૂલિકા રૂપ વેળા (ભરતી) વાળો છે. આલાયક રૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો અત્યંત મુશ્કેલ છે. એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવા કરું છું. (૩) મૂળથી ડોલાયમાન હોવાથી ખરેલા પરાગની અતિ સુગંધમાં મસ્ત થયેલા ભ્રમરોની શ્રેણીથી શોભાયમાન સુંદર પાંખડીવાળા કમળ-ઘર ઉપર આવેલા ભવનમાં રહેનારી ! કાંતિ-મૂંજથી શોભાયમાન ! હાથમાં સુંદર કમળને ધારણ કરનારી! અને દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર ! દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી શ્રુતદેવી! તમે મને મોક્ષનું ઉત્તમ વરદાન આપો. (૪)
આ સ્તુતિ પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજની રચેલી છે. તેઓ ગૃહસ્થપણામાં પુરોહિત હોઈને વેદવેદાંતના જાણકાર હતા અને દીક્ષિત થયા પછી જૈન શાસ્ત્રોના પરમ નિષ્ણાત બન્યા હતા. તેમણે શ્રી નંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકસૂત્ર આદિ આગમો પર વિશદ ટીકાઓ રચેલી છે. તેમનું સાહિત્યવિવિધ, મૌલિક અને ઊંડા ચિંતનવાળું છે. તેમણે પ્રાયશ્ચિત તરીકે ૧૪૪૪ ગ્રંથો બનાવવાના હતા. જ્યાં ૧૪૪૦ ગ્રંથો પુરા થયાં, પણ ૪ ગ્રંથો બાકી રહ્યાં હતા. તેવામાં કાળધર્મ નજીક આવવાથી તે વખતે તેમણે ૪ ગ્રંથોના સ્થાને સંસારદાવાનલ શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ પ્રાયશ્ચિત પૂરું કરવાના ઇરાદાથી સ્તુતિ રચી છે. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ, તેથી ત્રણ ચરણરૂપ બાકીની સ્તુતિ સંઘે અથવા શાસનદેવીએ તેમના હૃદયનો અભિગમ જાણી ચોથી સ્તુતિ પુરી કરી, ત્યારથી ‘ઝંકારા' થી માંડીબાકીની સ્તુતિ સહુશ્રાવકો એકીસાથે મોટા સ્વરે ઉલ્લાસમાં બોલે છે.
શ્રાવિકાઓ દૈવસિક અને રાઈ પ્રતિક્રમણમાં નમોસ્તુ વર્ધમાનાય અને વિશાલલોચન સ્તુતિની જગ્યાએ આ સ્તુતિની પ્રથમ ત્રણ ગાથાનો ઉપયોગ કરે છે. તથા ચતુર્વિધ સંઘ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં સક્ઝાયના સ્થાને ઉવસ્સગ્ગહર થોત્તપૂર્વક આ સ્તુતિનો ઉપયોગ કરે છે.