________________
ઈતિહાસની આરસીમાં દક્ષિણ ગુજરાત
ડૉ. પ્રવીણચંદ્ર સી. પરીખ
દક્ષિણ ગુજરાત ઈતિહાસ પરિષદનું આ દ્વાદશમું અધિવેશન અહીં મળી રહ્યું છે તે ક્ષેત્ર કામરેજ
૨૧૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક સ્થાન છે. એનું મૂળ નામ કર્મણિજ કે કાર્મણેય હતું અને અહીંથી પ્રાપ્ત પુરાવશેષો એના પરદેશો સાથેના વેપાર અંગેના સબળ પુરાવારૂપ છે. કામરેજ પછી રાંદેર અને પછી
સુરતનો વિકાસક્રમ ઉપલબ્ધ પુરાવાઓ પરથી પ્રતીત થાય છે. કામરેજના ભાર્ગવવાડી વિસ્તારમાં
તાપીને તટે આવેલ હરિશ્ચંદ્ર મહાદેવના ભોંયરામાં સુરક્ષિત અને આખા ભારતમાં વિરલ ગણાય એવી
બ્રહ્માજી અને તેમના પુત્ર નારદની પૂરા કદની આરસમાં કંડારેલી પ્રતિમાઓ એ આ ભૃગુક્ષેત્રનું એક
વિશિષ્ટ સંભારણું છે. આ અધિવેશન જે દિવ્ય સ્થળે મળી રહ્યું છે તે આ કાળના પરમ આત્મજ્ઞાની પુરુષ
દાદા ભગવાન દ્વારા સ્થપાયેલ મહાવિદેહ તીર્થધામ અને એમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિર તેમજ
તેમની જગતકલ્યાણની ભાવનાને સાકાર કરવા સ્થપાયેલ આ હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર છે.
દક્ષિણ ગુજરાતનો ઈતિહાસ એની ભૌગોલિક સ્થિતિ પર આધારિત છે. એનો પૂર્વનો પહાડી અને
જંગલ વિસ્તાર, મધ્યનો મોટી અને બારેમાસ પાણી ધરાવતી નર્મદા, તાપી, અંબિકા, પૂર્ણા અને
દમણગંગા જેવી નદીઓથી રચાયેલો રસાળ ફળદ્રુપ મેદાનપ્રદેશ અને પશ્ચિમે અરબી સમુદ્રનો કિનારો જે નદીઓના મુખ પાસે રચાયેલ કુદરતી બંદરોથી અલંકૃત છે. અહીંની સ્થાનિક પ્રજાના તાણામાં બહારથી વેપાર અર્થે દરિયાઈ માર્ગે આવેલી પ્રજાઓ અને વિજયયાત્રા અને રાજકીય હકુમત જમાવવાના ઈરાદે ઉત્તરમાં રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણમાં મહારાષ્ટ્ર અને
કર્ણાટકમાંથી આવી વસેલી પ્રજાઓના વાણાઓ દ્વારા અહીંની સંસ્કૃતિનું ભાતીગળ પોત રચાયું છે. એના
ઈતિહાસના કેટલાક તરી આવતા અંશોનું સિંહાવલોકન કરીએ.
• માનદ નિયામક, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, હોલિસ્ટિક સાયન્સ રીસર્ચ સેન્ટર, કામરેજ, સૂરત • કામરેજ-સૂરત મુકામે દાદા ભગવાન ત્રિમંદિરના પરિસમાં આવેલ હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર'માં તા. ૨૩-૩-૨૦૧૪ના રોજ યોજાયેલ દક્ષિણ ગુજરાત ઈતિહાસ પરિષદના બારમા અધિવેશન પ્રસંગે મુખ્ય અતિથિ સ્થાનેથી કરેલ ઉદ્દબોધન
28 Holistic Science of Life & Living Vol. I May 2014