________________
ક્ષયોપશમ થાય છે. જે જે યોગ મોહનીય કર્મનો ક્ષયોપશમ કરાવી આપે તે તે યોગ જરૂ૨ જ્ઞાનાવરણનો પણ ક્ષયોપશમ કરાવી આપે. કારણ કે મોહનીયકર્મના ક્ષયોપશમની સાથે જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ થાય છે જ. માષતુષમુનિ કે નંદિષેણ મુનિ વગેરે દૃષ્ટાંતો આપવાદિક છે. તે ઔત્સર્ગિક ઉદાહરણો નથી. કારણ કે તેમના કર્મ નિકાચિત હતા.
જ્ઞાનપ્રાપ્તિના બહિરંગ ઉપાય ભણવું / લખવું / પુનરાવર્તન કરવું / ગોખવું / વાંચવું વગેરે છે. જ્યારે જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ આદર અહોભાવ વિનય વિવેકદૃષ્ટિ જ્ઞાનીની પ્રશંસા - સહાય વગેરે કરવી તથા શક્તિ હોય તો બીજાને નિઃસ્વાર્થ ભાવે અને નમ્ર ભાવે ભણાવવું, સ્વાધ્યાયના માધ્યમે મોક્ષમાર્ગને જાણવાની-અનુભવવાની-પરિણમાવવાની તીવ્ર તમશા વગેરે જ્ઞાનપ્રાપ્તિના અંતરંગ અમોઘ ઉપાયો છે.
“બહિરંગાત્ અંતરંગ બલવ' એ ન્યાયે જ્ઞાનપ્રાપ્તિના આંતરિક ઉપાયો બળવાન છે. માટે જ્યારે જ્યારે અવસર આવે ત્યારે જ્ઞાનપ્રાપ્તિના અંતરંગ ઉપાયોમાં ઉલ્લાસથી પ્રવૃત્તિ કરવી. પછી સમયાનુસાર જ્ઞાનપ્રાપ્તિના બાહ્ય ઉપાયોમાં પણ પ્રવૃત્તિ કરવી. અંતરંગ ઉપાયમાં પ્રવૃત્તિ કરીને, અવસર હોવા છતાં, જ્ઞાનના બાહ્ય ઉપાયોમાં ઉપેક્ષા / અનાદર કરે તે વિરાધક થાય. તથા અંતરંગ ઉપાયોમાં પ્રવૃત્તિ કરવાના અવસરે અંતરંગ ઉપાયોના ભોગે બાહ્ય ઉપાયોને પકડી રાખે તો ભણવા છતાં જ્ઞાનાવરણીય + મોહનીય કર્મ ચીકણાં બંધાય. માટે ભક્તિનો અવસર ચૂકવો નહિ અને ભક્તિનો અવસર પૂર્ણ થાય કે તરત સ્વાધ્યાયમાં લાગવાનું ભૂલવું નહિ. બસ પછી જુઓ, દેવતાઓ પણ શરમાઈ જાય તેવું દેદીપ્યમાન આત્મઉદ્યાન બની જાય છે કે નહિ? ઈન્દ્રો પણ એવા સંયમી પાસે ઝૂકી પડે.
-
-
-
-
-
સંયમજીવનરૂપી બાગને તમે સ્વાભાવિક સાનુબંધ મઘમઘતા સદ્ગુણપુષ્પોથી સદા માટે નવપલ્લવિત બનાવો એ જ શુભકામના.
૮૭