________________
ચી. ઋતાને સ્મારણાંજલી
બહુ પુણ્ય કેરા પુંજથી સદ્ધર્મ સંસ્કાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભક્તિયુક્ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ । પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના અનન્ય ભક્ત / પ્રબુદ્ધ પ્રવચનકાર) ના કુટુંબમાં તેં તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૬ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.
બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, પૂજ્ય બેનીશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણે ત્યાં બે વખત ૨હેલાં અને તને તેઓશ્રીની ભક્તિ / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધાર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પ્રત્યક્ષ પૂજ્ય શ્રી રાકેશભાઈની વીતરાગી છાયાના અવલંબને પરિપક્વ બની. તારું જીવન મૈત્રી, સમજ શક્તિ, શાંતતા અને સ્મિતથી છલકાતુ હતું, તારું વ્યક્તિત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌમ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ડગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્પ વયમાં અણધાર્યા અંતને પામ્યો, શ્રીગુરુની આજ્ઞા ભક્તિમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં ઝબકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુ:ખદ વિયોગ થઈ પડ્યો.
તારી કાયમી વિદાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂંકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દઢ કરાવી રહી છે. આજ્ઞા ભક્તિની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હૃદયભીની સ્મરણાંજલી અર્પીએ છીએ.
તું અને અમો સૌ શીઘ્ર વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને
પ્રયાચના.
ડૉ. રાજેન્દ્ર પી. શાહ
સુશિલા શાહ
ચિ. મેઘા શાહ
ડૉ. અતુલ શાહ બીના શાહ
સમીર ઝવેરી
તથા પીયર - શ્વસુર પક્ષનાં સર્વ સ્નેહિ / સ્વજનો.
(ચિ. ઋતાના સ્મરણાર્થે ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૨,૫૦૦/- પ્રાપ્ત થયા છે.)