________________
સમ્યગ્દર્શન સંપદાની પ્રાપ્તિ પાપાશ્રવના નિરોધથીઃ
સમ્યગ્દર્શન પ્રાપ્ત વ્યક્તિ કર્મનો નવો આશ્રવ થાય તેવું ઇચ્છતી નથી, તે જૂઠ, કપટ, અન્યાય, ચોરી, અનીતિ, વગેરે પાપકર્મથી દૂર રહે છે. કદાચ થાય તો તેમાં વિવેકબુદ્ધિ રાખે છે. તેને તો તેવી સંપદા ગમે છે જે પાપકર્મથી, આશ્રવથી રહિત હોય અથવા જે સંપદા આવ્યા પછી પાપકર્મમાં બુદ્ધિ ન જાય. તે ધૂળના સમાન નાશવાન સંપત્તિને સમ્યગ્દર્શનથી પ્રાપ્ત થવાવાળી શાશ્વત મોક્ષ સંપદાની અપેક્ષાએ અત્યંત તુચ્છ સમજે છે. કર્મનો નવો આશ્રવ કરવો તેને ગમતો નથી. તે પાપાશ્રવના નિરોધમાં માને છે. તેવી સમ્યગ્દર્શન પ્રાપ્ત વ્યક્તિની સમ્યગ્દષ્ટિ કેવી હોય છે. તે ‘‘રત્નકરેંડક શ્રાવકાચાર''માં આ પ્રમાણે બતાવ્યું છે.
“यदि पापनिरोधोऽन्यसम्पदा किं प्रयोजनम् ?
अथ पापाश्रवोऽस्त्यन्य सम्पदा किं प्रयोजनम् ?"
– રત્નકદંડકશ્રાવકાચાર; ગાથા ૧.૨૭ (પાનું ૬૫, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર) મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬)
સમ્યગ્દષ્ટિ એવું વિચારે છે કે જો પાપકર્મ પ્રકૃતિઓનો આશ્રવ અટકી ગયો છે અને સંવર સંપદા પ્રાપ્ત થઈ ગઇ છે. તો અન્ય સાંસારિક (ધન)સંપદાથી મને શું પ્રયોજન છે? (મારે શું જરૂર છે?) અને જો પાપકર્મનો આશ્રવ ચાલુ છે અને બીજી (ધન)સંપદા આવી ગઇ તેનાથી પણ મને શું પ્રયોજન છે?
સમ્યગ્દષ્ટિ એવું વિચારે છે કે અન્યાય, અનીતિ, અનાચાર આદિથી પ્રાપ્ત થવાવાળી ભૌતિક સંપદા સીધી નરકમાં જીવને લઈ જાય છે. કેમ કે તેને મેળવવામાં પાપકર્મનો આશ્રવ અને બંધ થાય છે. કદાચિત લાભાન્તરાય અને ભોગાન્તરાય આદિ કર્મોના ક્ષયોપશમના ફળ સ્વરૂપ ભૌતિક સંપત્તિ પ્રાપ્ત પણ થઈ ગઇ તો પણ સમ્યગ્દષ્ટિજીવ તેને પરાધીન, વિનશ્વર, અને બંધનું કારણ સમજી તેમાં લિપ્ત થતા નથી. ઉદાસીન (તટસ્થ) ભાવથી તેને ગ્રહણ કરે છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ આશ્રવ અને કર્મબંધથી મળતી ભૌતિક સંપદાને હેય માને છે.
સમ્યગ્દર્શનનો લાભ ચિંતામણિ આદિનો લાભઃ
સમ્યગ્દર્શનને મહાન આચાર્યભગવંતોએ ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુની ઉપમા આપી છે. આચાર્ય સકલકીર્તિ પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં સમ્યક્ત્વને આ ત્રણ ઉપમા આપી છે.
૨૭૦
સમકિત